સુરત:અત્યાર સુધી રખડતા ઢોરનો ત્રાસ રસ્તા પર જોવા મળતો હતો. હવે આ આતંક લોકોના ઘર પર જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા - ખોલવડ રોડ પર આવેલી સિધ્ધિ વિનાયક ઈન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે એક રહેણાંક મકાન પર પાંચમા માળે ટેરેસ પર એક આખલો ચડી જવાની ઘટના બની હતી. રાત્રી દરમિયાન વરસેલા ભારે વરસાદ વચ્ચે બિલ્ડીંગનું શટર ખુલ્લું રહી ગયું હતું. જેને લઇને આખલો વરસાદથી બચવા અંદર જતો રહ્યો હતો અને એક પછી એક માળના પગથિયાં ચડી પાંચમા માળે પહોંચી ગયો હતો.
Surat News: કામરેજ ગામે આખલો પાંચમા માળે ચડી ગયો, લોકોમાં મચી નાસભાગ
સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખોલવડ ગામ નજીક આવેલી સિધ્ધિ વિનાયક ઈન્ડસ્ટ્રીમાં એક આખલો પાંચમા માળે ચડી જતા નાસભાગ મચી ગઇ હતી. સ્થાનિકો દ્વારા કામરેજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આખલાને હેમ ખેમ નીચે ઉતાર્યો હતો.
કામરેજ લસકાણા - ખોલવડ ગામની વચ્ચે આવેલી સિધ્ધિ વિનાયક ઈન્ડસ્ટ્રીમાં પાંચમા માળે આખલો ચડી ગયો હતો. સ્થાનિક દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ તેઓને સફળતા ન મળી જતી. જેથી આ બાબતે અમારી ટીમને કોલ મળતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આખલાને હેમખેમ નીચે ઉતારી દીધો હતો.સદનસીબે આખલા દ્વારા કોઈપણ નુકસાન પહોંચાડ્યું ન હતું. જેથી સૌ એ રાહત અનુભવી હતી.--પ્રવીણ ભાઈ (કામરેજ ફાયર ઓફિસર)
નાસભાગ મચી ગઈ:સવારે લોકોને આખલો પાંચમા માળે ચડી ગયો હોવાની જાણ થતાં નાસભાગ મચી ગઇ હતી. આખલાને નીચે ઉતારવાનો પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ સફળતા મળી ન હતી.જેથી સમગ્ર ઘટનાની જાણ કામરેજ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી.કામરેજ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સિધ્ધિ વિનાયક ઈન્ડસ્ટ્રી પહોંચી ગઈ હતી. આખલાને નીચે ઉતારવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ સ્થળ પર પહોંચી ગયેલ કામરેજ ફાયર વિભાગની ટીમે દોરડા મંગાવી દોરડાની મદદથી આખલાને બાંધવામાં આવ્યો હતો.કાળજી પૂર્વક સહીસલામત સિધ્ધિ વિનાયક ઈન્ડસ્ટ્રીના પાંચમા માળેથી નીચે ઉતારી લેવાયો હતો. પાંચમા માળેથી આખલો હેમખેમ નીચે ઉતરી જતાં સિદ્ધિ વિનાયક ઈન્ડસ્ટ્રી સ્થાનિક રહીશોએ રાહતનો દમ લીધો હતો. કામરેજ ફાયર વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.