સુરતઃ ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા (દક્ષિણ ઝોન)નાં નેજા હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળનાં સંયુક્ત ઉપક્રમે 'રીલે હંગર સ્ટ્રાઈક'કાર્યક્રમ દાદા ભગવાન મંદિર ખાતે યોજાયો હતો. આ સમગ્ર વિરોધ કાર્યક્રમ જૂની પેન્શન યોજના મુદ્દે કરવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ ઝોનનાં તમામ જિલ્લામાંથી ખૂબજ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો સહિત અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સરકારે વચન પાળ્યા નથીઃ રાજ્યમાં જૂની પેન્શન યોજના સંદર્ભે કર્મચારીઓ દ્વારા વિવિધ તબક્કે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના બાબતે જે વચનો આપ્યા હતાં તે હજૂ પૂરા કર્યા નથી. જેથી કર્મચારીઓ દ્વારા સરકારને આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. જેનાં પગલે રાજ્યનાં કર્મચારીઓ કે જેઓ 2005 પહેલાં નિમણૂંક પામ્યા છે તેમને પણ આ યોજનાનો લાભ મળે તેવી માંગણી સાથે આજરોજ આ ધરણાં પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની દુહાઈઃ આ અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અને ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળનાં પ્રમુખ સતિષભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના પ્રમાણે કર્મચારીઓને લાભ આપવાની જાહેરાત કરી છે તેને આવકારી જણાવ્યું હતું કે સરકાર દ્વારા 2005 પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી અમારી માંગણી વિલંબિત છે. સરકાર લાખો કર્મચારીઓનાં હિતમાં તત્કાળ નિર્ણય કરે તેવી અમારી પ્રબળ માંગણી છે. તેમણે હુંકાર કર્યો હતો કે જો અમારી માંગણીઓ ન સંતોષાય તો આવનારા દિવસોમાં અમારી આશ્ચર્યજનક જલદ કાર્યક્રમો આપવાની તૈયારીઓ છે. આ સાથે ઉપસ્થિત અન્ય કર્મચારી મંડળનાં હોદ્દેદારોએ પોતપોતાનાં આગવા અંદાજમાં સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.