પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સો જોવા મળ્યા છે. સીસીટીવીમાં આરોપીઓ દુકાન માલીકને બંદૂક બતાવી લૂંટ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.
દુકાન માલીકને બંદૂક બતાવી મોબાઈલની લૂંટ, ઘટના CCTVમાં કેદ
સુરત: ઉધના વિસ્તારમાં ધોળા દિવસે બંદુકની બતાવી મોબાઇલ શોપના માલિક પાસેથી 17 જેટલા મોંઘા મોબાઇલની લૂંટ ચલાવવામાં આવી છે. ધોળા દિવસે લૂંટની આ ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે. ઘટનાના પગલે ઉધના પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી છે.
ઉધના વિસ્તારમાં આવેલા શ્રી રામ કુટીર ખાતે સ્વસ્તિક મોબાઈલ શોપિંગ દુકાનમાં લૂંટની આ ઘટના બનવા પામી છે. મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા ત્રણથી ચાર જેટલા ઈસમોએ મોબાઈલ ખરીદીના બહાને શોપમાં પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં બંદુક બતાવી 17 જેટલા મોંઘા મોબાઈલની લૂંટ ચલાવી હતી.
આ ઘટના બાદ લૂંટારૂઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. દુકાન માલિકે ઘટનાની જાણકારી આસપાસના લોકો અને પોલીસને કરી હતી. ઘટનાની જાણકરી મળતા ઉધના પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સો કેદ થયા છે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.