સુરત :અમદાવાદ, સુરત સહિત રાજ્યના અન્ય શહેરોમાં ફાસ્ટ ડ્રાઇવિંગની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવી જ ઘટના સામે આવતા પોલીસે દોડતી થઈ હતી. સુરત શહેરના વેસુ વિસ્તારમાં વોચમેન તરીકે ફરજ બજાવનાર 61 વર્ષીય સિનિયર સિટીઝનને એક કારચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો છે. આ દુર્ઘટનામાં વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધને શરીરે થાપાના ભાગે તેમજ જમણા પગના પંજામાં ફેક્ચર આવતા તેમની સારવાર ચાલી રહી છે. આ હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.
હીટ એન્ડ રન : સુરત શહેરના સુમન સાગર આવાસમાં રહેતા 61 વર્ષીય રમેશ સન્યાસી વોચમેન તરીકે ફરજ બજાવે છે. સાગર 27 જુલાઈના રોજ પોતાના ઘરથી આગળ વેજીટેન્સી સામે ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે એક કાળા રંગની કાર ચાલકે તેમને અડફેટે લેતા તે નીચે પડી ગયા હતા. બીજી બાજુ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ ત્યાં લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણકારી આપી હતી. ઇજાગ્રસ્ત રમેશભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમના શરીરે કમરના પાછળના ભાગે ઇજાઓ થઈ હતી અને પગના પંજામાં ઇજા થઈ હતી.