22 વર્ષના યુવાને થેલેસેમિયા મેજર બાળકને સ્ટેમસેલ દાન કરી આપ્યું નવજીવન
સુરત: સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લાના શાખપુર ગામના અને હાલ સુરત સ્થાયી થયેલ 22 વર્ષના મીત હિરપરા નામના યુવાને સુર્યગ્રહણનાં દિવસે 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળકને પોતાના સ્ટેમસેલનું દાન કરી તેના જીવનનું ગ્રહણ દૂર કર્યું હતું. બાળપણથી જ સમાજસેવા કરવાની ઇચ્છા ધરાવતો અને છેલ્લા 10 વર્ષથી BAPS સ્વામિનારાયણ સંસ્થામાં કાર્યકર તરીકે સેવામાં જોડાયેલો આ યુવાન ખાસ અપીલ કરે છે કે સામાજિક સંસ્થાઓ સ્ટેમસેલના દાન અંગે સમાજમાં જાગૃતિ લાવે અને લોકોમાં આ બાબતે ગેરસમજણ દૂર થાય.
સુરતની વરાછા કો.ઓપ.બેંકમાં સર્વિસ કરતો આ યુવાન જય જવાન નાગરિક સમિતિ આયોજિત રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરવા ગયેલો અને ત્યાં દાત્રી સંસ્થાના કાર્યકરોસ્ટેમસેલ ડોનેશન અંગે સમજ આપતા હતા અને જો મેચ થાય તો ડોનેશન કરવા રાજી હોય તેનું લાળનું સેમ્પલ લઈને રજીસ્ટ્રેશન કરતા હતા આથી "બીજાના ભલામાં આપણું ભલું" ની ભાવના સાથે સેમ્પલ તરીકે નોંધણી કરાવી અને 2 વર્ષ બાદ અચાનક દાત્રી સંસ્થાના કાર્યકરનો મીત પર કોલ આવ્યો કે તેના સ્ટેમસેલ 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળક સાથે મેચ થયા છે."