તક્ષશિલા અગ્નિ કાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગ સક્રિય બન્યું છે. ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની સુવિધા ન ઊભી કરનારી સંસ્થાઓ સામે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આજરોજ સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી ચાર જેટલી માર્કેટોને ફાયર દ્વારા સીલ કરી દેવામાં આવી છે.
સુરત ફાયર વિભાગે સેફ્ટી સાધનોના અભાવે 600 દુકાનો કરી સીલ - દુકાનોને સીલ
સુરત: શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી ચાર ટેક્સ્ટાઇલ માર્કેટોને સુરત ફાયર વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. સુરત માર્કેટમાં આવેલી આશરે 600 દુકાનોને સીલ કરી દેવાતા વેપારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે કોઈપણ જાણ કર્યા વિના ફાયર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે ફાયર વિભાગનું કહેવું છે કે અનેકો વખત માર્કેટને નોટિસ ફટકારવા છતાં ફાયર સેફટીની સુવિધા ઊભી કરવામાં આવી ન હતી. જેથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
![સુરત ફાયર વિભાગે સેફ્ટી સાધનોના અભાવે 600 દુકાનો કરી સીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4437195-thumbnail-3x2-surat.jpg)
સુરત ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર રીંગરોડ વિસ્તારમાં આવેલી રિષભ ટેક્સટાઇલ માર્કેટ, રોહિત માર્કેટ, શંકર માર્કેટ સહિત કુલ ચાર માર્કેટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૬૦૦થી ૭૦૦ જેટલી દુકાનો આવેલી છે. આ તમામ દુકાનો અને હાલ સુધીની કાર્યવાહી કરી તાકીદે ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે. ચારે માર્કેટમાં આવેલી દુકાનમાં માલિકોને અગાઉ પણ અનેક વખત ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી વેપારીઓ દ્વારા કોઈપણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.
સુરત ફાયર વિભાગની આ કામગીરીને લઇ વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ માર્કેટ બહાર એકઠા થઈ ફાયરની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો તો બીજી તરફ વેપારીઓના આક્ષેપ છે કે આ વિભાગ દ્વારા વેપારીઓને કોઈ પણ જાણ કર્યા વિના જ દુકાનોને સીલ મારી દેવામાં આવી છે.