ઓલપાડ તાલુકામાં સોંદલાખારા ગામમાં આગની ઘટના, વાડામાં ભારે નુકશાન સુરત :ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે આવેલ મોટા ફળિયામાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. જેને લઇને અફરા તફરી મચી ગઇ હતી. આ આગની ઘટનામાં ટ્રેલર, ટ્રેકટર અને પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઓલપાડમાં આગની ઘટના : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આગની ઘટના બની હતી. સોંદલાખારા ગામે આવેલ મોટા ફળિયામાં એક રહીશના ઘરના વાડાના ભાગે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે વાડા નજીક પાર્ક કરવામાં આવેલ ટ્રેક્ટર-ટ્રેલર અને પશુ માટે સંગ્રહ કરવામાં આવેલ ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુ વિસ્તારના સ્થાનિકોની ઊંઘ ઉડી ગઈ હતી. થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી. સમગ્ર ઘટનાની જાણ મોટાભાગલ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ગત મંગળવારની મોડી રાત્રે આગની ઘટના બની હતી. પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલ ઘાસચારામાં આગ લાગતા મારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ હાલ ઓલપાડ પોલીસને કરવામાં આવી છે. પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.-- હરીશભાઈ પટેલ
માંડવીમાં આગની ઘટના : અન્ય બનાવની વાત કરીએ તો ગત શનિવારે માંડવી તાલુકાના હરિયાળ GIDC માં યાર્ન તેમજ ધાગા બનાવતી એક કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
કંપનીમાં લાગી આગ : ગત શનિવારે સુરત જિલ્લામાં વધુ એક કંપનીમાં આગની ઘટના બની હતી. માંડવી તાલુકાના હરીયાલ GIDC માં યાર્ન બનાવતી ચોકસી ટેકશોલી નામની કંપનીમાં મોડી સાંજે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કંપનીની બાજુમાં રહેતા રહીશો ગભરાઈ ગયા હતા અને કંપનીથી દૂર ચાલ્યા ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
યાર્નનો જથ્થો ખાક : પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યો હતો. કંપનીમાં રહેલ યાર્નનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાને પગલે હાલ માંડવી પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો છે. ત્યારે હાલ આ આગની ઘટનામાં કંપની માલિકને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
- Surat Fire Accident : કામરેજ ટોલ પ્લાઝા પાસે CNG કારમાં લાગી આગ
- ફટાકડાની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનો માલ ખાખ