સુરત : 7800 કરોડના IPL બેટિંગ કેસમાં વધુ 4 આરોપીને સુરત ઇકો સેલ પોલીસે ઝડપી પાડ્યા છે. 1 ઓક્ટોબર 2022 ના રોજ ઇકોનોમિક સેલ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સાથે મળીને ડીંડોલી રાજમહેલ સંકુલમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે લગભગ 7800 કરોડ રૂપિયાના સટ્ટાબાજીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે હાલ વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
સટ્ટાબાજી કેસમાં 4 આરોપી ઝડપાયા : ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં 300 જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. બનાવટી દસ્તાવેજોના આધારે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. યુક્રેન અને દુબઈની સંપૂર્ણ રમત ચલાવવામાં આવી રહી હતી. આ મામલે એક પછી એક 8 આરોપી પકડાઈ ચુક્યા છે. હાલ આ કેસમાં અન્ય 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓના નામ બકુલ શાહ, હર્ષ શાહ, પાર્થ જોશી અને આકાશ પારેખ છે. આ તમામ આરોપીઓના પોલીસ દ્વારા રિમાન્ડ લેવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ફરીથી કોર્ટમાં હાજર કરાયા હતા. વધુ રિમાન્ડની માગણી ન કરાતા આ 4 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
7800 કરોડનો સટ્ટાબાજી કેસ :આ સમગ્ર મામલે સુરત ઇકો સેલના PI એન. જી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી બકુલ શાહ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનાર આરોપીઓને પગાર આપતો હતો. જ્યારે હર્ષ શાહ દુબઈથી રેકેટ ઓપરેટ કરતા બુકી કિશનના હિસાબે ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કરતો હતો. જ્યારે પાર્થ જોશી દુબઈથી રેકેટ ચલાવતા કિશનના હિસાબે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતો અન્ય આરોપી આકાશ પારેખ પણ કિશનના ઈશારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતો હતો. આ કેસમાં ઇકો સેલ દ્વારા ચાર્જશીટ કરી દેવામાં આવી છે.