'મહા' વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેમાં 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેથી રાહત અને બચાવ કામગીરીને પહોંચી વળવા સુરત ફાયર વિભાગની ટીમ સાધન સામગ્રી સાથે સજ્જ કરવામાં આવી રહી છે.
'મહા' વાવાઝોડાને પગલે સુરત જિલ્લા તંત્ર થયું સજાગ હવામાન વિભાગના જણાવ્યાનુંસાર, 'મહા વાવાઝોડું ગુજરાત તરફ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. હાલ વેરાવળથી 720 કિલો મીટર અને દીવથી 770 કિલો મીટર દૂર છે. તો પોરબંદરથી 670 કિલો મીટર દૂર છે. જેથી ગુજરાતના દરિયાઈ તટ વિસ્તારમાં તેની મહદઅંશે અસર જોવા તેવી શક્યતા છે.
ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થાય અથવા બિલ્ડીંગ કોલર જેવી ઘટનાઓ સામે પહોંચી વળવા માટે સુરત ફાયર વિભાગ ,પાલિકાની ટીમ, NDRF અને SDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તેમજ આગાહીના પગલે ફાયર વિભાગના કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે.
હાલ, સુરત ફાયર વિભાગના જવાનોને તમામ સાધનસામગ્રી સાથે સજ્જ જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં આપત્તિના સમયે પહોંચી વળવા બે જેટલી બોટ તેમજ હાઇડ્રોલિક પાવર ટ્યુબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ અને સુરત જિલ્લાના તમામ વહીવટી તંત્રની વચ્ચે મહત્વની બેઠક મળી હતી. જેેમાં 'મહા' વાવાઝોડાની આગાહીના પગલે આપત્તિના સમયે બચાવ અને રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.