સુરત :ડાયમંડ સિટી સુરતમાં ફરી એક વખત લાખો રૂપિયાના હીરાની ચોરીની ઘટના બની છે. એક દિવસ પહેલા ડાયમંડ યુનિટમાં ચોર નોકરી માંગવા માટે આવ્યો હતો. તે જ આરોપી બીજા દિવસે ચાલુ યુનિટમાં પ્રવેશ કરી સહેલાઈથી 48.86 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી ફરાર થઈ જાય છે. યુનિટમાં કામ કરી રહેલા રત્નકલાકાર સહિત અન્ય કર્મચારીઓને ખબર સુધા પડતી નથી. આ સમગ્ર મામલે CCTV ફૂટેજના આધારે કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
શું હતો સમગ્ર મામલો : શહેરના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં મોહન નગર ખાતે ખાતા નંબર 26,27 સંત આશિષ ડાયમંડ નામની એક ડાયમંડ યુનિટમાં લાખો રૂપિયાના હીરાની ચોરી થતા પોલીસે દોડતી થઈ હતી. સવારે 8:00 વાગ્યાના અરસામાં જ્યારે હીરાના કારખાનાના માલિક યુનિટ પર પહોંચ્યા અને જોયું ત્યારે ખબર પડી કે 48.86 લાખના 148 કેરેટના હીરાની ચોરી થઈ છે. આ અંગે જ્યારે CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, ત્યારે એક અજાણ્યો શખ્સ યુનિટમાં પ્રવેશ કરી લાખો રૂપિયાના હીરાની ચોરી કરી નાસી જાય છે તે સ્પષ્ટ પણે જોવા મળે છે. આ અંગે કંપનીના માલિકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
નોકરીના બહાને રકી :ઉલ્લેખનીય છે કે, ચોરી કરનાર શખ્સ એક દિવસ પહેલા જ કંપનીમાં આવી નોકરી કરવાની ઈચ્છા બતાવી હતી. આ શખ્સને બીજા દિવસે આવવાનું મેનેજમેન્ટે જણાવ્યું હતું. પોલીસ માની રહી છે કે નોકરી ના બહાને આરોપી યુનિટમાં રેકી કરવા આવ્યો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે લાલ રંગના શર્ટમાં જ્યારે ડાયમંડ યુનિટ શરૂ થઈ ત્યારે મોઢા પર રૂમાલ બાંધીને આ શખ્સ સહેલાઈથી યુનિટમાં પ્રવેશ કરે છે. યુનિટમાં અનેક લોકો કામ કરી રહ્યા છે, પરંતુ કોઈની નજર આ શખ્સ પર જતી નથી અને આ સહેલાઈથી લાખો રૂપિયાના હીરાની ચોરી કરી નાસી જાય છે.