યુવતીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા માગણી બારડોલી : સુરત ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી માંડવીના પુના ગામે રહેતી યુવતીએ બારડોલી તાલુકાના ઉછરેલ મોરી ગામે આત્મહત્યા કરી લીધી હતી. યુવતીનો મૃતદેહ રવિવારે મોડી સાંજે મળી આવતા હાલ બારડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ યુવતી ખેડબ્રહ્મામાં બીએડનો અભ્યાસ કરતી હતી.
બીએડમાં અભ્યાસ :માંડવી તાલુકાના પુના ગામે મોટું ફળિયુંમાં રહેતા યુવતીના પિતા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જે પૈકી પ્રથમ પુત્રીના લગ્ન થઈ ગયા હોય તેના સાસરે રહે છે. જ્યારે બીજી પુત્રી (ઉ.વર્ષ 20) ખેડબ્રહ્મામાં પ્રથમ વર્ષ બીએડમાં અભ્યાસ કરતી હતી. જ્યારે 18 વર્ષનો પુત્ર કોલેજમાં અભ્યાસ કરે છે.
આ પણ વાંચો હું પરણિત છું, મારે બે બાળકો છે, વિધર્મી યુવકે પ્રેમમાં દગો આપતા યુવતીએ જીવન ટુંકાવ્યું
સુરત જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળી હતી : રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય ઉર્વશી ગત 6 એપ્રિલના રોજ ઘરે આવી હતી. રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે સવારે સાત વાગ્યે યુવતીનેે માંડવી બસ સ્ટેન્ડ પર મુકવા માટે તેના પિતા ગયા હતાં અને સુરત જતી મીની બસમાં બેસાડી હતી.
ફોન રિસીવ ન કર્યા : દરમ્યાન બપોરના સમયે યુવતીને તેના ભાઇએ ઘણા ફોન કરવા છતાં ફોન ઉપાડ્યો ન હતો. બાદમાં સુરત માંડવીની બસ રાત્રે સાડા નવથી દસેક વાગ્યા સુધી આવતી હોવાથી મોડેથી આવશે એવું માની શોધખોળ કરી ન હતી.
ઉછરેલ મોરી ગામમાં મળી લાશ : દરમ્યાન સાંજે સાત વાગ્યે યુવતીના પિતા મોબાઈલ પર પોલીસનો ફોન આવતા તેમને ઉછરેલ મોરીગામે બોલાવેલા હતા. ઉછરેલ મોરી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ સર્વે નંબર 98માં બાવળના ઝાડ સાથે યુવતીનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. ઢોર ચરાવતા ગોવાળિયાની નજર પડતા પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ ઉતારી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી એ અંગે હજી સુધી જાણવા મળ્યું નથી. આગળની તપાસ બારડોલી પી.એસ.આઈ. ડી.આર.વસાવા કરી રહ્યા છે.
આ પણ વાંચો Surat Suicide News : સુરતમાં જૂની સિવિલની બિલ્ડીંગના ચોથા માળેથી મહિલાએ પડતું મુકતા મચી ભાગદોડ
મોત અંગે સ્થાનિકોને શંકા : યુવતીએ ફાંસો ખાવા બાબતે સ્થાનિકો શંકા વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોના કહેવા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ આત્મહત્યા નથી લાગી રહી. મૃતદેહની સ્થિતિ જોતા યુવતીના મોત અંગે અનેક શંકા પેદા થઈ રહી છે.
આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી : આ અંગે કડોદ આઉટપોસ્ટના જમાદાર રાકેશ વસાવા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, યુવતીના મૃતદેહ નો કબ્જો લઈ હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પોસ્ટ મોર્ટમ બાદ મોતનું કારણ જાણી શકાશે. યુવતી પાસેથી કોઈ સુસાઇડ નોટ કે અન્ય લખાણ મળ્યું નથી. તેથી હજી સુધી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. યુવતી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી હતી કે નહીં તે પણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
પેનલ પોસ્ટમોર્ટમની માગ : બારડોલીના ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ ગાગિયાએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ ડૉક્ટરોની પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી માંગ કરતા હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ મૃતક યુવતીના ભાઈએ આ મામલે યોગ્ય તપાસની માગ કરી હતી. તેણે કહ્યું કે મારી બહેન આવી રીતે આત્મહત્યા કરી જ ન શકે. શરીર પર ઇજાના નિશાન પણ મળી આવ્યા હોય બહેનના મોત બાબતે શંકા છે. યોગ્ય તપાસ થવી જોઈએ.