પુષ્પા સ્ટાઈલમાં એમ્બ્યુલન્સમાં દર્દી નહી દારૂ કર્યો ટ્રાન્સફર સુરત : જિલ્લામાં બે અલગ અલગ વિસ્તારોમાંથી પુષ્પા સ્ટાઈલમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે. સુરત ગ્રામ્ય પોલીસે ચોક્કસ બાતમીના આધારે આ કાંડનો પર્દાફાશ કર્યો હતો. પલસાણા તાલુકાના કડોદરા નજીક એક ઇકો કારને એમ્બ્યુલન્સનું રૂપ આપી તેમાં વિદેશી દારૂ ભરી લઈ જવાઈ રહ્યો હતો. જ્યારે બીજા બનાવમાં પલસાણા તાલુકાના વનેસા ગામની સીમમાં ફાયરની ગાડીમાં વિદેશી દારૂ લઇ જવાતો હતો. આ બંને દારુના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો.
દારુની હેરફેર : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ પલસાણા તાલુકામાં કડોદરા નજીક એમ્બ્યુલન્સના રુપની એક ઇકો કાર અને વનેસા ગામની સીમમાંથી ફાયરની ગાડીને ઝડપી પાડી હતી. આ વાહનોમાં છુપાવીને દારુની હેરફેર કરવામાં આવી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ બંને વાહનોને ઝડપી પાડ્યા હતા.
ઇકો કારને એમ્બ્યુલન્સનું રૂપ આપી તેમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઇસમ આવી રહ્યો છે. જે માહિતી મળતા જ અમે વોચ ગોઠવી દીધી હતી. બાતમી વાળું વાહન આવતા જ ઝડપી લીધું હતું. આ ગુનામાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલ ઇસમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. હાલ આગળ તપાસ ચાલુ છે.-- જે.એસ રાજપૂત (PSI, કડોદરા પોલીસ મથક)
એમ્બ્યુલન્સમાં દારુ :પોલીસે હાઇવે પર એક એમ્બ્યુલન્સમાં ( MH 02 XA 9072) તપાસ કરતા ગાડીમાં પેશન્ટની જગ્યાએ સફેદ રંગના મીણીયા કોથળામાં વિદેશી દારૂની બોટલો ભરેલી હતી. પોલીસે 842 નંગ દારૂની બોટલ કિંમત રુ. 1,05,250 તેમજ 70 હજારની કિંમતની ગાડી મળી કુલ 1,80,250 નો મુદ્દામાલ કબ્જે કર્યા હતો. વાનચાલક ઋષિકેશ શાંતારામભાઈ પવારની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા દારૂની ખેપ મારતો હોવાની કબૂલાત કરી હતી.
વોટરટેન્કમાં વિદેશી દારૂ : બીજી તરફ પલસાણા પોલીસે બાતમીના આધારે પોલીસની એક ટીમ સાથે વનેસા ગામની હદમાં વોચ ગોઠવી હતી. જેમાં એક ફાયરની ગાડીને થોભાવવાનો પ્રયત્ન કરતા ફાયરની ગાડીનો ચાલક રસ્તા બાજુએ ગાડી ઉતારી અંધારાનો લાભ લઇ ખેતરાડીના રસ્તે ભાગી છૂટ્યો હતો. પલસાણા પોલીસે ફાયર બ્રિગેડ જેવી દેખાતી ગાડીમાં તપાસ કરતા વોટર ટેન્કમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 3780 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Surat Crime: માર્કેટમાંથી 17 કટ્ટા બટાટા ચોરાયા પણ ટમેટા ચોર જ પકડાયો
- Surat Crime : શહેરમાં મોંઘીદાટ સાયકલો ચોરી કરીને પાર્ટ્સ ઓરિસ્સા મોકલતી ટોળકી ઝડપાઈ, 42 સાયકલો પોલીસે જપ્ત