રીક્ષાની ડિઝાઇન અને સીટના કારણે પકડાયો ગુનેગાર સુરત : રીક્ષા ઉપર કરવામાં આવેલ ડિઝાઇન અને ચમકદાર સીટના કારણે આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર રીક્ષા ચાલકની રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. ટ્યુશન જતી વખતે બાળકીનું અપહરણ કરી તેની સાથે શારીરિક અડપલા કરનાર આરોપીની શોધખોળ પોલીસ કરી રહી હતી. બાળકી એ આપેલી જાણકારી અને સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા રીક્ષાના આધારે પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી અગાઉ પણ વર્ષ 2019માં આવી જ રીતે નાની બાળકી સાથે અડપલાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.
મોલમાંથી ટીશર્ટ અપાવાની લાલચ આપી : શહેરના રાંદેર વિસ્તારમાં આઠ વર્ષની બાળકી એકલી ટ્યુશન જઈ રહી હતી તે વખતે અચાનક જ એક રીક્ષાચાલક આવીને તેને મોલમાંથી ટીશર્ટ અપાવું તે લાલચ આપી બેસાડીને લઈ ગયો હતો અને એકાંતમાં લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યાં હતાં. ત્યારબાદ બાળકીને ફરી તે જ સ્થળે છોડીને નાસી ગયો હતો.
પોલીસે રીક્ષાની શોધ શરૂ કરી : બાળકીએ આ અંગેની જાણ પોતાના માતાપિતાને કરી હતી અને તાત્કાલિક માતાપિતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બાળકીએ જે વર્ણન કર્યું હતું તેના આધારે પોલીસે રીક્ષાની શોધ શરૂ કરી દીધી હતી. સીસીટીવી ફૂટેજમાં એક રીક્ષા તેવી જ દેખાતા પોલીસે આ શંકાસ્પદ રીક્ષા અંગેની તપાસ શરૂ કરી હતી અને આખરે આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસ આરોપીની ધરપકડ ન કરી શકે આ માટે આરોપી ઉજેફા મોહમ્મદ આરીફે પોતાની ટીશર્ટ પણ વોશિંગ મશીનમાં ધોવા માટે મૂકી દીધી હતી.
શંકાસ્પદ રીક્ષા મળી આવી : ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થયા બાદ માત્ર આઠ વર્ષની બાળકી જ હતી જેનાથી અમે સંપૂર્ણ વિગતો મેળવી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી. રીક્ષાચાલક જ્યાંથી બાળકીને લઈ ગયો અને ત્યારબાદ જ્યાં મૂકી તે અંગે બાળકીના વર્ણનના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. શંકાસ્પદ રીક્ષા મળી આવી અને તેના માલિક પણ મળી આવેલ છે.
બાળકીને જ્યાંથી લીધી ત્યાં મૂકી ફરાર : આરોપી ઉજેફા મોહમ્મદ આરીફ રાંદેરના સુબેદાર સ્ટ્રીટ પર રહે છે. બાળકીના માતાપિતાને તેમની દીકરીએ જ જાણ કરી હતી. બાળકી ટ્યુશનમાં જતી હતી તે વખતે તે રીક્ષા ચાલક તેને લઈ ગયો હતો. બાળકીને કીધું હતું કે ચલ તને મોલમાંથી ટીશર્ટ અપાવું. રિક્ષામાં બેસાડી આગળ લઈ ગયો હતો અને ત્યાં અડપલા કર્યા બાદ ફરીથી જ્યાંથી બાળકીને લીધી હતો તે જ સ્થળે મૂકીને આરોપી ફરાર થઈ ગયો હતો.
આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે : વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે, આરોપીની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી અગાઉ પણ વર્ષ 2019 માં અઠવા પોલીસ સ્ટેશનમાં માસૂમ બાળકી સાથે છેડતી અને અડપલાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. તે વખતે પણ આરોપીએ રીક્ષામાં બાળકીને બેસાડીને આ કૃત્ય આચર્યું હતું. આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે. અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે બાળકો સાથે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ થાય તો તરત જ પોલીસને જાણ માતાપિતા કરે.
- Ahmedabad Crime News : બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને પકડી પાડ્યો
- Kheda Crime : ચોરને ગમી ગઇ આ ડેરી, ગણતરીના દિવસોમાં ફરી ચોરી કરી
- Disa News: ડીસામાં થયેલ હત્યાનો ભેદ ડીસા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો