એટીએમ લૂંટતી આંતરરાજ્ય ગેંગને રંગે હાથે ઝડપી લીધી સુરત: રાંદેર અને અડાજણ વિસ્તારમાં NCR કંપનીમાં આવેલા ATM તોડતી આંતરરાજ્ય ગેંગ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. ગેંગના ત્રણેય આરોપીઓ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને આ ત્રણ આરોપીઓ વિશે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી અનુસાર ત્રણેય આરોપીઓ ઘોડાદ્રાના રામજી મંદિર પાસે આવેલા ATM પાસે હાજર હતા. ક્રાઈમ બ્રાન્ચે સમય વેડફ્યા વિના સત્વરે સ્થળ પર પહોંચી આ ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. આ આરોપીઓ ATMના સીસીટીવીમાં કેપ્ચર થઈ ગયા હતા.
એટીએમના કેશ શટર સાથે છેડછાડ કરવાના હથિયાર ત્રણ આરોપીઃ ATM તોડતી આંતરરાજ્ય ગેંગના સભ્યોમાં 24 વર્ષીય અખિલેશ પટેલ, 21 વર્ષીય નીરજ પટેલ અને 35 વર્ષીય પંકજ દુબેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ અને જૌનપુરના રહેવાસી છે. આ આરોપીઓ સુરતના રાંદેર અને અડાજણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ATM સાથે છેડછાડ કરી રૂપિયા લૂંટી લેતા હતા. આરોપીઓના ગામના કેટલાક યુવાનો એટીએમ મશીનની NCR કંપનીમાં નોકરી કરતા હતા. તેમણે આરોપીઓને આ ટ્રીક શીખવી હતી.
મોડસ ઓપરન્ડીઃ ATM લૂંટતી આ ગેંગ એક સ્પેશિયલ મોડસ ઓપરન્ડી અંતર્ગત લૂંટને અંજામ આપતી હતી. જેમાં એક આરોપી ATMમાં કોઈ ન હોય ત્યારે કેશ શટરમાં લોખંડનો ચીપિયો ભરાવી દેતો હતો. એક વાર ચીપિયો ભરાવી દીધા બાદ તેઓ ATMમાંથી બહાર જઈને નજર રાખતા હતા. તેમના બાદ જે કોઈ નાગરિક ATMમાંથી પૈસા ઉપાડવા આવે. તેના પૈસા આ ચીપિયામાં ફસાઈ જતા અને બહાર આવતા નહતા. કંટાળીને વ્યક્તિ બીજા ATMમાં જતો રહેતો. ત્યારબાદ ફરીથી આ ગેંગ ATMમાં આવી કેશ શટરમાંથી ચીપિયો અને તેમાં ફસાયેલા પૈસા લઈ લેતા હતા. સુરતના કુલ 8થી વધુ ATMમાં આ ગેંગે લૂંટ ચલાવી છે.
આરોપીઓ માત્ર NCR કંપનીના જ ATMને ટાર્ગેટ કરતા હતા. બેન્કના ATMના કેસ શટલ સાથે સ્ક્રૂ ડ્રાઈવર અને અન્ય લોખંડના ચિપીયાથી છેડછાડ કરતા હતા. તેઓએ સુરત ગ્રામ્ય વિસ્તાર કીમમાં એક, સરથાણામાં બે, અડાજણમાં ચાર અને રાંદેરમાં એક ATM મશીનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યા છે. મુખ્ય આરોપી અખિલેશ લાલજી પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. માત્ર સુરત જ નહીં આરોપી અખિલેશ ઉપર દાદરા નગર હવેલી કોસ્ટલ પોલીસ મથક, મુંબઈના થાણે સેન્ટ્રલ અને થાણે કોન ગાવમાં પણ ATM ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ ચૂકી છે...લલિત વાઘડીયા (P.I., સુરત ક્રાઈમ બ્રાન્ચ)
- Surat Crime: કડોદરામાં જ્વેલર્સના શૉ રૂમમાંથી 5 લાખની ચોરી કરી 2 તસ્કર ફરાર
- Surat Crime:ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક, કે.વી. માંગુકિયા શાળામાંથી 1.78 લાખની ચોરી