ગુજરાત

gujarat

Surat Crime News : દેલાડ ગામે લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીને પોલીસે દબોચી લીધો

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 4:50 PM IST

ઓલપાડ તાલુકાના દેલાડ ગામે પાણીના છાંટા ઊડવા જેવી નજીવી બાબતે યુવકને ઢોર માર મારી મોબાઈલ અને બાઈક લૂંટ કર્યાનો બનાવ બન્યો હતો. જેમાં લૂંટ કરી ફરાર ઇસમ આખરે પોલીસ પકડમાં આવી ગયો હતો. પોલીસે તેની પાસેથી લૂંટ કરેલ મોબાઇલ અને બાઈક પણ જપ્ત કરી હતી.

Surat Crime News
Surat Crime News

દેલાડ ગામે લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીને પોલીસે દબોચી લીધો

સુરત :ઓલપાડ તાલુકાના દેલાડ ગામે ગત તારીખ 31 ઓગસ્ટના રોજ એક લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ગેસની કંપનીમાં મજૂરી કામ કરતો યુવક રોડની બાજુમાં પોતાની બાઈક પાર્ક કરીને લારી પાસે નળ પર પાણી પી ને મોઢું ધોઈ રહ્યો હતો. તે દરમિયાન બાજુમાં બાંકડા પર સૂતેલા અજાણ્યા યુવક પર પાણીના છાંટા ઉડ્યા હતા. જેથી અજાણ્યો યુવાન ઉશ્કેરાઈ ગયો હતો. ફરિયાદી યુવકને ઢોર માર મારી તેનો મોબાઈલ અને બાઈક લૂંટી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

લૂંટની ઘટના : લૂંટની ઘટનાને અંજામ આપી ભાગી ગયેલ અજાણ્યા યુવક વિરૂદ્ધ ઓલપાડ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે ચોક્કસ બાતમીના આધારે આ લૂંટના ગુનાના આરોપી સનાતન નાયક નામના ઇસમને પોલીસે રંગોલી ચોકડીથી નવી પારડી જતા રસ્તા પરથી દબોચી લીધો હતો. તેની પાસેથી બાઈક અને મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દેલાડ ગામે બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઓલપાડ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. તેની પાસેથી લૂંટ કરેલ મોબાઇલ અને બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહિ એ દિશામાં તપાસ શરૂ છે. -- આઇ.જે. પટેલ (DYSP, સુરત ગ્રામ્ય)

બાળ મજૂરી : અન્ય પોલીસ કામગીરીની વાત કરીએ તો થોડા દિવસ પહેલા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉદ્યોગનગર પાસે આવેલ એક હોટલમાં બાળક પાસે કામ કરાવી આર્થિક શોષણ કરી રહેલા હોટલ સંચાલક વિરુદ્ધ A.H.T.U સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત ત્યાંથી બાળકને મુક્ત કરાવામાં આવ્યો હતો.

શું હતો મામલો ? થોડા દિવસ પહેલા રેન્જ IG વી. શેકર સુરત તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની સુચના મુજબ સુરત ગ્રામ્યમાં બાળ મજૂરી કરાવી આર્થિક શોષણ કરાવતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહિ કરવા માટે A.H.T.U. સેલના PI જે. એ. બારોટ તથા તેમની ટીમના માણસોને સુચના આપવામાં આવેલ હતી. જે સુચના આધારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કામરેજ તાલુકાના ઉદ્યોગનગર બ્રિજ પાસે પટેલ ફરસાણના માલીકે પોતાની દુકાનમાં એક પંદર વર્ષના બાળ કિશોરને મજૂરી કામે રાખી તેની પાસે ચૌદ કલાક મજૂરી કામ કરાવતો હોવાનું, પૂરતું વેતન નહીં આપી તેનું શોષણ કરતો હોવાની બાતમી મળી હતી.

પોલીસની કાર્યવાહી : બાતમીના આધારે AHTU ની ટીમને ઉપરોકત રેસ્ટોરન્ટમાંથી એક 15 વર્ષીય કિશોર મળી આવ્યો હતો. તેનું રેસ્ક્યુ કરી વી.આર.પોપાવાલા આશ્રમ કતારગામ સુરત ખાતે લઇ જવામાં આવ્યો હતો. હોટેલના સંચાલક કાન્તીભાઈ છગનભાઈ કોરડીયા રહે. જી/801, દાદા ભગવાન કોમ્પલેક્ષ કામરેજ સુરતના વિરુદ્ધમાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ( કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આરોપીને ડિટેઈન કરી કાર્યવાહી કર્યા બાદ આરોપીનો કબજો કામરેજ પોલીસને સોંપ્યો હતો.

  1. Surat Crime News : દેલાડ ગામે પાણીના છાંટા ઉડવા જેવી બાબતે યુવકને માર માર્યો, સીસીટીવી કેમેરામાં ઘટના કેદ
  2. Surat Crime News : વાંકલ ગામના યુવકને સામાન્ય બાબતે જાનથી મારવાની ધમકી, બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details