સુરત : સુરતમાં પુણા પોલીસ મથકના પોલીસ કર્મીઓએ ત્રણ યુવકોને ઢોર માર માર્યો હતો, ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ આ ઘટનામાં યુવકોને માર મારનારા 8 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના મારથી એક યુવાનનો કાનનો પડદો ફાટી ગયો છે જ્યારે બીજાને ફેક્ચર થયું છે. હાલ બંનેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
મારથી યુવકોને ગંભીર ઇજા: સુરતમાં પુણા પોલીસ વિવાદમાં આવી છે. વાહન ચેકિંગ દરમ્યાન પુણા વિસ્તારમાં મનીષ, તેના ભાઈ કૌશલ અને તેના મિત્ર દેવેન્દ્ર નામના 3 યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહી પોલીસ મથકે લઇ જઈને એક રૂમમાં બંધ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસના મારના કારણે યુવકોને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી. આ ઘટનાને લઈને યુવકોના સમાજના લોકોએ આજે પુણા પોલીસ મથકનો ઘેરાવ કરીને ન્યાયની માંગ કરી હતી.
હું અને મારો ભાઈ માર્કેટથી આવી રહ્યા હતા. આ દરમ્યાન પુણા ઇન્ટરસીટી પાસે પોલીસની વાન ઉભી હતી અને વર્દી વગર પોલીસકર્મીઓ ત્યાં ઉભા હતા. અમને લાગ્યું પોલીસ ચલણ આપશે. જેથી અમે પહેલા જ ગાડી ઉભી રાખી દીધી હતી અને પોલીસકર્મી પાસે જઈને પૂછ્યું કે અમે અહી સર્વિસ રોડ પરથી જઈ શકીએ છીએ? તો અમને જવાની પરવાનગી આપી હતી. જેથી મેં મારાભાઈને કહીને ગાડી મંગાવી હતી અને અમે ત્યાંથી પસાર થઇ રહ્યા હતાં. તેવામાં જ વચ્ચે દંડો રાખીને અમને ઉભા રખાવ્યા હતાં જેથી મેં કહ્યું કે તમે જ તો અહીથી જવાની પરવાનગી આપી. એમ કહ્યું ત્યાં જ મને તમાચો મારી દીધો હતો. જેથી મેં હાથ આડો કરીને માર મારવાની ના કહી હતી. એટલામાં પાછળથી બીજા 3 થી 4 પોલીસકર્મીઓ દંડો લઈને આવ્યા હતા અને હાથ,પીઠ, પગ સહિતની જગ્યાએ ઢોર માર માર્યો હતો...મનીષ મનોજકુમાર જાજુ(પોલીસ દમનનો ભોગ બનનાર)
મિત્રને સાંભળવાનું પણ બંધ થઇ ગયું: પોલીસના મારથી ઈજા પામેલા યુવકે વધુમાં જણાવ્યું કે અમને બંને ભાઈને લાત મારીને વાનમાં બેસાડયા હતા અને ગાડીમાં પણ માર માર્યો હતો. ત્યારબાદ પુણા પોલીસ મથકે લઇ જવાયા હતા અને ત્યાં એક રૂમમાં લઇ જઈને પણ ઢોરમાર માર્યો હતો. જ્યાં એક પણ પોલીસકર્મીએ વર્દી પહેરી ન હતી, પોલીસકર્મીના ઢોરમારના કારણે મને હાથમાં ફેકચર થયું અને મિત્રનો કાનનો પડદો ફાટી ગયો હતો. મારા મિત્રે વિડીયો બનાવ્યો હતો તેને પણ માર માર્યો હતો, મારા મિત્રને સાંભળવાનું પણ બંધ થઇ ગયું છે.
પોલીસ અધિકારીનું નિવેદન: બનાવ અંગે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે પુણા વિસ્તારમાં વાહન ચેકિંગની ડ્રાઈવ હતી અને વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં પોલીસકર્મીઓ વાહન ચેકિંગ કરતા હતા. ત્યારે બે બાઈક પર ચાર લોકો આવ્યા હતા અને પોલીસે એમને વાહન ચેકિંગ માટે રોક્યા હતા, આ છોકરાઓની એવી જગ્યાઓની એવી રજૂઆત છે કે ઘટના સ્થળે અને પોલીસ મથકે લાવીને માર માર્યો છે. આ સંદર્ભે યુવકની ફરિયાદના આધારે 8 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
- વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને પોલીસે માર માર્યો
- સુરતઃ ઓરિસ્સાવાસી કામદારનું મોત થતા પોલીસે માર માર્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ
- વડોદરામાં પોલીસે માર માર્યાનો આક્ષેપ, શાકભાજીના ફેરીયા પિતા-પુત્રએ કરી ફરિયાદ