સુરત : લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલના ફેસબુક એકાઉન્ટ પરના નામ અને ફોટાનો ઉપયોગ કરીને એકસરખા નામ અને ફોટો સાથેનું ફેક એકાઉન્ટ બની ગયું હતું. ફેસબુક એકાઉન્ટ પર નામ, ફોટા સહિતની વિગતો એકસરખી હોય ફેસબુક યુઝર્સ ગોથું ખાઈ ગયા હતાં. આ અંગેની જાણ થતા ધારાસભ્ય સંગીતા પાટીલે સુરત પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે.
ઓરિજનલ એકાઉન્ટ પર પોસ્ટ મૂકી : ધારાસભ્યના ફેક ફેસબુક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે એટલું જ નહીં, બુધવારે અને ગુરુવારે આ ફેક એકાઉન્ટ થકી અનેકને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલવામાં આવી હતી. જોકે, સમગ્ર બાબતની જાણ ધારાસભ્ય સંગીતા પાટીલને જાણકારી મળી ગઇ હતી. જેના પગલે તેમણે તાકીદે પોતાના ઓરિજનલ એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને અન્ય એક ફેક એકાઉન્ટ બન્યાંની જાણ સૌને કરી હતી.
ફ્રેન્ડ રીક્વેસ્ટ ઉપરાંત ફોન પણ આવ્યો : સંગીતા પાટીલએ લોકોને જણાવ્યું હતું કે મારા ફેસબુક એકાઉન્ટ પરથી કોઈ ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો સ્વીકારવી નહીં. કારણ કે એ ફેક એકાઉન્ટ છે. આ સાથે જ મામલાની તપાસ માટે તેઓએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. બુધવારે મોડી સાંજે નજીકની કોઈ વ્યક્તિએ ફેક એકાઉન્ટ અંગે માહિતી આપ્યા બાદ, આજે ઉત્તર ગુજરાતથી એક કાર્યકરે જાણ કરી હતી કે તેઓને ફ્રેન્ડ રીક્વેસ્ટ ઉપરાંત ફોન પણ આવ્યો હતો. જેણે પગલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે પોલીસ ફરિયાદ કરી હોવાનું ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું.
એકાઉન્ટ કોઇ ટીખળખોરે બનાવ્યું છે : બીજી બાજુ તેમનું ફેક એકાઉન્ટ કોઇ ટીખળખોરે બનાવ્યું છે કે પછી ઠગાઇ કરવાના ઉદેશ સાથે ભેજાબાજે ખેલ કર્યો છે એ અંગે પોલીસ તપાસમાં સાચી હકીક્ત બહાર આવશે.
- Gandhinagar News : ગુજરાતમાં 1,02,429 ફેક વેબસાઈટ અને એકાઉન્ટ બંધ થયા, ન્યૂડ કોલ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસોનું મૂળ કપાયું
- Fake Followers Scam : ફેમસ ઈન્ફ્લુએન્સર થવા માટે બોટ્સ એક મોટો સ્કેમ, કેટલું ઘાતક છે જાણો