સુરત : થોડા દિવસ પહેલા ઉધના વિસ્તારમાં આધેડની હત્યા કરાયેલ મૃતદેહ ફૂટપાથ પર મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી. નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. એક સીસીટીવી ફૂટેજમાં આધેડને બે અજાણ્યા લોકો માર મારી રહ્યા છે તે રેકોર્ડ થયું હતું. જેના આધારે ઉધના પોલીસે બે લોકોની શોધખોળ શરૂ કરી હતી. આખરે પોલીસે આ સમગ્ર ઘટનાક્રમમાં આરોપી બે હોટલના કર્મચારીઓની ધરપકડ કરી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ : 53 વર્ષીય રામમુરત તિવારી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હતા. ઉધના રોડ નંબર 15ના ફૂટપાથ પરથી તેની હત્યા કરાયેલ મૃતદેહ ફૂટપાથ પર મળી આવ્યો હતો. રામમુરત તિવારીના શરીર પર અનેક ઇજાઓના નિશાન મળી આવ્યા હતા. જેના કારણે પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે અજાણ્યા લોકો રામમુરત તિવારીને માર મારી રહ્યા છે. ઉધના પોલીસે 19 વર્ષના અજય ઇનાકરામ પટેલને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી તેને અન્ય એક આરોપી સુરેશ ચતુરસિંહ અંગે પોલીસને જણાવ્યું હતું. આ ઘટના બાદ સુરેશ મધ્યપ્રદેશ નાસી ગયો હતો જેથી પોલીસની એક ટીમ એમપી રવાના થઈ હતી અને આરોપી સુરેશની ધરપકડ કરવામાં આવી હતી.