સુરત : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પીનપુર ગામ ખાતે જમવાનું બનાવવા બાબતે તેમજ આડાસંબંધના વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. આ ચકચારી બનાવમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. તેમ જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પતિએ પત્નીનો કલેશ : મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પીનપુર ગામ ખાતે મહેશ વાડીલાલભાઈ વસાવા તેની પત્ની મનીષાબેન સાથે રહેતો હતો. દરમ્યાન ગત 13 ફ્રેબ્રુઆરી 2023 ના રોજ જમવાનું બનાવવા બાબતે અને પત્નીના આડા સબંધ હોવાની શંકાને લઇ દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો.
આ પણ વાંચો Surat Crime અમરોલીમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી, આવું હતું કારણ
ઝઘડામાં વાત વધી હત્યામાં પરિણમ્યો :આ ઝઘડામાં રોષે ભરાઈને પતિ મહેશ વસાવાએ તેની જ પત્ની મનીષાબેનનેી હત્યા કરી નાંખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ મહેશ વસાવા ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ બનાવની જાણ ઉમરપાડા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે ઉમરપાડા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ગામની સીમમાંથી આરોપી પતિ ઝડપાઇ ગયો :હત્યા કર્યા બાદ આરોપી પતિ મહેશ વસાવા ભાગી જવાની ફિરાકમાં હતો. દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે તે પીનપુર ગામની સીમમાં છુપાયો છે. જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી પતિ મહેશ વસાવા (ઉ.31) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો Bhavnagar Murder Case: પત્નીની હત્યા કરી પતિ ભાગી નીકળ્યો, રસ્તામાં મોતનો ભેટો થયો
પોલીસ અધિકારીની તપાસ ઉમરપાડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ એ જે. દેસાઈએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે હત્યારો મહેશ વસાવા જેઓ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક કારખાનામાં નોકરી કરતો હતો. ગત રવિવારના રોજ તેઓ વતન પીનપૂર ગામે આવ્યો હતો અને પત્ની પર શંકા રાખી પત્નીને માર માર્યો હતો. મૃતક મનીષાબહેનને ઈજાઓ થતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે ફરી એકવાર ગત 13 તારીખના રોજ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મહેશ આવેશમાં આવી પત્ની મનીષાને મોતને ઘાટ ઉતારી હતી. મૃતક મનીષાએ તેર વર્ષ પહેલાં પીનપુર ગામના મહેશ સાથે ઘરેથી ભાગી જઈ પ્રેમ સબંધમાં લગ્ન કર્યા હતા અને તે પીનપુર ગામે જ રહેતી હતી.
ત્રણ સંતાનોને હવે માતાનો પ્રેમ નહીં મળેમૃતક મનીષા અને મહેશને બે દીકરી અને એક દીકરો છે.ત્યારે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારતા ત્રણ સંતાનો માતા વગરના થઈ ગયા હતાં અને ત્રણ સંતાનોને હવે માતાનો પ્રેમ નહીં મળે. હાલ તો હત્યારા મહેશને ઉમરપાડા પોલીસે કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.
ઓલપાડ તાલુકામાં પણ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી થોડા દિવસ પહેલા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે ધનાભાઇ ગોપાલ ભાઈ આહિરના તબેલામાં કામ કરી ગુજરાન ચલાવતા નમલાભાઈ ધિરિયાભાઈ રાઠોડ અને તેઓની પત્ની પદમાબેન સાથે જમવા બનાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં પતિ નમલાભાઈએ આવેશમાં આવીને પત્નીને મૂઢ માર માર્યો હતો.પત્નીએ બુમાબુમ કરતા આવેશમાં આવેલ નમલાભાઈ ઘવધુ માર માર્યો હતો. પદમાંબેનને ગંભીર ઈજાઓ થતાં તેઓનું મોત થયું હતું, સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા ઓલપાડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક મહિલાની ડેડબોડી પીએમ અર્થે ખસેડવામાં આવી અને હત્યારા પતિને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ચોક્કસ બાતમીના આધારે સાંધીએર ગામની સીમમાંથી હત્યારા પતિને ઝડપી લીધો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.