સુરત : કડોદરામાં રહેતાં શાહુ પરિવારમાં બુધવારે રાત્રે છત પર સૂવા જેવી નજીવી બાબતે પતિપત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઇ ગયેલા પતિએ પત્નીને મારવા જતા વચ્ચે બચાવવા પડેલી 19 વર્ષની પુત્રીને ઉપરાછાપરી ચપ્પુના 17 ઘા કરી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. સુરત જિલ્લાના કડોદરામાં રહેતા પરિવારમાં પત્નીએ ગરમી બહુ હોવાથી મકાનની છત પર સુવા માટે જણાવતા પતિ ગુસ્સે થઈ ગયો હતો અને પત્ની પર છરા વડે હુમલો કરવા જતાં જ બચાવવા માટે વચ્ચે પડેલી 19 વર્ષની પુત્રીને છરાના ઉપરાછાપરી 17 ઘા મારી દેતાં પુત્રીનું સ્થળ પર જ મોત નીપજયું હતું. હુમલાખોર પતિએ તેની પત્ની અને એક મૂકબધિર સહિત ત્રણ પુત્રો પર પણ ચપ્પુના વાર કર્યા હતા. કડોદરા જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પરિવાર મૂળ બિહારનો : મૂળ બિહારના સીવાન જિલ્લાના અમરપુર ગામનો શ્રમિક પરિવાર છેલ્લા ઘણા સમયથી કડોદરાના સત્યમનગર વિસ્તારમાં રહે છે. પરિવારમાં પતિ રામાનુજ મહાદેવ શાહુ (ઉ.વર્ષ 45), પત્ની રેખાદેવી (ઉ.વર્ષ 40), પુત્રી ચંદાકુમારી (ઉ.વર્ષ 19), ત્રણ પુત્રો સુરજ (ઉ.વર્ષ 16), ધીરજ (ઉ.વર્ષ 14), વિશાલ (ઉ.વર્ષ 12) સાથે રહે છે. રામાનુજ મિલમાં મજૂરી કામ કરે છે. ગુરુવારે રાત્રે પત્ની રેખાદેવીએ ગરમી વધુ હોવાથી મકાનના ધાબા પર સૂવા જવા માટે કહ્યું હતું. આ વાતને લઈને બંને પતિપત્ની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.
અચાનક મોટું ચપ્પુ લઈને ધસી આવ્યો : પતિ પત્ની સાથે જીભાજોડી બાદ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. થોડીવાર બાદ તે હાથમાં મોટું ધારદાર ચાકુ લઈને ધસી આવ્યો હતો અને તને જાનથી મારી નાખીશ એમ જણાવી રેખાદેવી પર હુમલો કરવા જતો જ હતો ત્યાં પુત્રી ચંદાકુમારી તેની માતાને બચાવવા વચ્ચે આવતા ગુસ્સે ભરાયેલા રામાનુજે તેની પુત્રીને જ ઉપરાછાપરી 17 જેટલા ચાકુના ઘા મારતા લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગઈ હતી અને તેનું ત્યાં જ મોત થયું હતું.