સુરતઃ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાલુકા વેલણપુર ગામમાં બે સગી બહેનોના લગ્ન પ્રસંગમાં પોલીસ પહોંચી ગઈ હતી. જેમાં પછી રંગમાં ભંગ પાડ્યો હતો. પછી પોલીસ વરરાજાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મહુવા તાલુકાના વેલણપુર ગામે બે સગી બહેનોના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. બંને વરરાજાઓ પણ માંડવે આવી પહોંચ્યા હતા. તે જ સમયે પોલીસ ત્રાટકી અને એક વરરાજાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ વરરાજા પરિણીત હોવા છતાં તેના પરિવારની જાણ બહાર બીજા લગ્ન કરી રહ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે જીવન બચાવી લીધુઃપોલીસે દુલ્હન અને વરરાજાની પહેલી પત્નીની જિંદગી બરબાદ થતી બચાવી લીધી હતી. વેલણપુરના પીપડા ફળીયામાં રહેતા પરિવારની બે સગી પુત્રીના લગ્ન નક્કી થયા બાદ તારીખ 12મી મેના રોજ તેમના લગ્ન થયા હતા. બે પૈકી એક બહેનનું લગ્ન મહીસાગર જિલ્લાના મોતીપુરા ગામના અને હાલ નવસારી જિલ્લાના ગણદેવી ખાતે રહેતા સંજય નામના શખ્સ સાથે નક્કી થયા હતા. પણ ફેરા શરૂ થાય એ પહેલા જ પોલીસ પહોંચી ગઈ હતી. આ અંગે મહુવા પોલીસ મથકના પી.આઈ. જે.એ. બારોટે વિગતવાર માહિતી આપીઃ
અમને મળેલી સૂચનાને પગલે અમારી ટીમ વેલણપુર પહોંચી હતી અને પ્રસંગમાં કોઈ ખલેલ ન પડે તેવી રીતે વરરાજા બનીને બેઠેલા સંજયને પકડી બે મહિલાઓને ન્યાય મળે તે રીતે કાર્ય કર્યું હતું.એના પિતા તરફથી જ્યારે મેસેજ મળ્યા કે, એને સંતાન છે તો ટીમ એલર્ટ થઈ ગઈ હતી. --જે.એ.બારોટ (મહુવા પોલીસ સ્ટેશન પીઆઈ)