સુરત શહેરમાં બાળ મજૂરી કરાવી રહેલા હોટલ સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી સુરત :જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મજૂરી કરાવી આર્થિક શોષણ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં માટે સુરત ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, કીમ ચાર રસ્તા નજીક આવેલી બિસ્મિલ્લા નામની હોટેલમાં બે બાળ મજૂરો કામ કરી રહ્યા છે. તેઓને પૂરતું વેતન ન આપી ચૌદ કલાક કામ કરવામાં આવી રહ્યું છે.
બે બાળ મજૂર :ચોક્કસ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા એક હોટલમાં બે કિશોર કામ કરતા મળી આવ્યા હતા. તેઓના નામ, ઠામ અને ઉંમર પૂછતા એક બાળક 16 વર્ષનો અને એક 12 વર્ષનો હોવાનું જણાવ્યું હતું. જેને લઇને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ દ્વારા હોટલ સંચાલક નુરમહમદ સગીરહસન પઠાણ વિરુદ્ધ કાર્યવાહી કરી કોસંબા પોલીસને આરોપીનો કબજો સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ દ્વારા સતત બાળ કિશોરને કામે રાખી શોષણ કરી રહેલા હોટલ સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરત ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મજૂરી કરાવતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમને સૂચન મળ્યું હતું. જેને લઈને અમારી ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કીમ ચાર રસ્તા ખાતે એક હોટલ સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ હતી. --જે. એ. બારોટ (PI, સુરત ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ)
તાજેતરનો કિસ્સો : થોડા દિવસ અગાઉ પણ કામરેજ તાલુકાના ઉદ્યોગનગર બ્રિજ પાસે પટેલ ફરસાણના માલીકે પોતાની દુકાનમાં એક પંદર વર્ષના બાળ કિશોરને મજુરી કામ રાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. દુકાન માલિક તેની પાસે 14 કલાક મજૂરી કામ કરાવી રહ્યા હતા. આમ છતાં તેને વેતન આપવામાં આવતું ન હતું. બાતમીના આધારે AHTU ની ટીમે તપાસ કરતા ઉપરોક્ત રેસ્ટોરન્ટમાંથી 15 વર્ષીય બાળક મળી આવ્યો હતો. તેનું રેસ્ક્યુ કરી વી.આર. પોપાવાલા આશ્રમ કતારગામ ખાતે લઇ જવામાં આવ્યો હતો. હોટેલના સંચાલક કાંતિભાઈ છગનભાઈ કોરડીયા વિરુદ્ધ કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને ડિટેઈન કરી કામરેજ પોલીસને સોંપ્યો હતો.
- Surat Crime : સુરતમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ દુષ્કર્મ આચરી 14 લાખ રૂપિયા પડાવ્યા, આરોપીની રાજસ્થાનથી ધરપકડ
- Surat Crime : કિમ ચાર રસ્તા નજીક તથ્ય કાંડ જેવી ઘટના બનતાં સહેજમાં રહી ગઇ, કોસંબા પોલીસે ચારની ધરપકડ કરી