સુરતઃ રાજ્યમાં ઠેર ઠેર કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન કેસમાં સજાની જે નવી જોગવાઈ કરી છે તેનો વિરોધ થઈ રહ્યો છે. ભારે વાહનો અને કોમર્શિયલ વાહનોના ડ્રાયવર્સ અને ઓનર્સ ચક્કાજામ કરીને વિરોધ કરી રહ્યા છે. આવામાં સુરત શહેરની અંદર પણ આ વિરોધની જવાળા ફેલાઈ ચૂકી છે. જેમાં શહેરના સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાયવર્સ જોડાઈ જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેયરે પણ અપીલની સાથે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
સુરતના અનેક વિસ્તારોમાં હડતાળોઃ સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાયવર્સ પણ હડતાળમાં જોડાતા નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના સચિન જીઆઈડીસી અને હજીરા વિસ્તારમાં પણ ટ્રક અને ટ્રેલર્સ જેવા ભારે વાહનોના ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે. આ ચક્કાજામને પરિણામે ગંભીર ટ્રાફિક સમસ્યાઓ પેદા થઈ હતી. જો કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ટ્રાફિક ક્લીયર કરાવવો પડ્યો છે. સિટી બસ અને બીઆરટીએસ બસની હડતાળને પરિણામે 3 દિવસમાં સુરત મનપાને કરોડો રુપિયાનું નુકસાન થયું છે. આ હડતાળને પરિણામે સુરતના નાગરિકોને હાલાકી પડી રહી છે. રિક્ષા ચાલકો બેફામ ભાડુ વસૂલી રહ્યા છે.