સુરત : જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે કામરેજ તાલુકાના ખેતરમાંથી મોટા જથ્થામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં બે શખ્સોની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. એસ.ઓ.જી.ની ટીમે બાતમી આધારે કામરેજ તાલુકાના પરબ ગામની સીમમાં આવેલા યોગેશ્વર સોસાયટીની પાસેથી એક શેરડીના ખેતરમાંથી 334 કિલોથી વધુના ગાંજા સાથે બે આરોપી ધરપકડ કરી 33.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કેવી રીતે ઝડપાયો ગાંજો :સુરત જિલ્લા એસ.ઓ.જી.પોલીસની પેટ્રોલિંગમાં હતી. ત્યારે સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, કામરેજ તાલુકાના પરબ ગામે આવેલ યોગેશ્વર સોસાયટીની સામે આવેલ એક શેરડીના ખેતરની બાજુમાં રસ્તા ઉપર બે શંકાસ્પદ શખ્સો ગાંજાના જથ્થા સાથે ઉભા છે જે બાતમી આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો.
બે આરોપીની ધરપકડ :પોલીસે સ્થળ પર ઉભેલા બે શખ્સોની અટક કરી તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બંનેએ પોતાના નામ 19 વર્ષીય સંજય શ્રી દયારામ ગૌતમ અશ્વિનિકુમાર કતારગામ સુરત તેમજ 26 વર્ષીય સુનિલ હરેન્દ્ર કુમાર ગુપ્તા અશ્વિની કુમાર રોડ કતારગામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી 334.740 કિલો ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 33,47,400, બે મોબાઈલ કિંમત 7000, એક મોટરસાયકલ કિંમત રૂપિયા 25 હજાર મળી 33,79,400નો મુદ્દામાલ કબ્જે કરી કામરેજ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો. માલ મંગાવનાર સુરતના વેડરોડ કતારગામ ખાતે રહેતા એમ.જે.પ્રધાનને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.