સુરત : આજરોજ અવધ ઉટોપીયા ક્લબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, ત્યારે આ બેઠકમાં રાજ્યમાં 8 મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જિલ્લા પ્રમુખ, પ્રભારી લોકસભામાં પ્રભારી 8 મનપાના MLA ને હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હાજરી આપી હતી. ત્યારે તેઓએ કોંગ્રેસના આક્ષેપોને લઈને નિવેદન આપ્યા હતા.
સનાતન ધર્મની વાત :બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા કે, ભાજપ ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા પોતાનો પ્રચાર કરી રહી છે, ત્યારે આ બાબતને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને નિવેદન આપ્યું કે, ભારતની મૂળ સંસ્કૃતિ સનાતન ધર્મ સાથે સંકળાયેલ છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મની વાત કરે છે. સનાતન ધર્મની પ્રચાર કરે છે. ભારત બિન સંપ્રદાય રાષ્ટ્ર છે. ધર્મના પ્રચાર માટે અહીં ખુલ્લી છુંટ છે. ભારત સિવાય બીજા બધા દેશો પાસે નથી.
આપણા દેશમાં બધા જ ધર્મની વાત કરી શકાય છે. બધા જ ધર્મના ધાર્મિક સ્થાનો અહીં સારી રીતે ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે. બધા ધર્મના ધાર્મિક સંતો પોત પોતાના ધર્મની વાત જાહેરમાં કરી શકે છે. તો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મની વાત કરે તો ખુબ ગૌરવની વાત છે. ગુજરાત તો સનાતન ધર્મ માટે હંમેશા અગ્રેસર હોય છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું હું ગુજરાતમાં સ્વાગત કરું છું. માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નહીં, પરંતુ ગુજરાતભરના સનાતન ધર્મને માનનારા લોકો એમનું સ્વાગત સમર્થન કરે એ ગુજરાતના સંસ્કાર છે. - પ્રદીપસિંહ વાઘેલા (ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી)
અંધશ્રદ્ધામાં માનનારા લોકોનો વિરોધ : ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે અંધશ્રદ્ધામાં માનનારા લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં કેટલા લોકો દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ પણ આપ્યું છે કે, તેઓ અમારા પ્રશ્ર્નોના જવાબ આપશે તો તેમને અમારી સંપત્તિ પૈસાઓ વગેરે તેમને સમર્પિત કરી દઈશું, ત્યારે આ બાબતે કોંગ્રેસ કહી રહી છે કે, ભાજપ પોતાનો પ્રચાર માટે બાગેશ્વર ધામના સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં બોલાવી રહ્યા છે.