સુરતઃ શહેરમાં અનલોક-1 બાદ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે સ્થિતિ એવી છે કે, રોજના 300 જેટલા કેસો સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ જ કલેક્ટરના જાહેરનામાંનો ભંગ કરી રહ્યા છે.
કોરોના સંક્રમણ વચ્ચે ભાજપના નેતાઓ જ રેલીઓ યોજી વિવાદમાં સપડાઈ રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં સુરત મહાનગર પાલિકાના જ ડ્રેનેજ વિભાગના ચેરમેન અમિત રાજપૂત વિવાદમાં સપડાયા છે. થોડા દિવસ પહેલા તેમને કોરોના પોઝિટિવ થયા હતા અને સારવાર હેઠળ હતા, પરંતુ આખરે તેમને કોરોનામુક્ત થયા હતા. જે બાદ તેમને ઘરે પરત ફર્યા હતા, ત્યારે તેમની જ સોસાયટીમાં અન્ય કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું, પરંતુ આ સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. તો બીજી તરફ કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું.