સુરત : સુરત શહેરના પાલ વિસ્તારમાં ગુરુવારે ગૌરવ પથ રોડ ઉપર સ્કૂલ બસ ચાલકે અડફેટે લેતા બાળકને સારવાર અર્થે તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ મામલે પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પૂરઝડપે આવી રહેલ સ્કૂલ બસ ચાલકે બાળકને અડફેટે લીધો : સુરત શહેરમાં દિવસે દિવસે મોટા વાહન ચાલકો બેફામ બની રહ્યા છે.બેફામ વાહનો ચાલકો ગમે તે લોકો અડફેટે લઇ રહ્યા છે. ત્યારે ગુરુવારે ફરી પછી સ્કૂલ બસ ચાલકે 7 વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શહેરના પાલ વિસ્તારમાં આવેલ ડ્રિમ ફેસ્ટિવલ રેસ્ટોરન્ટની સામે નવી બધાતી બિલ્ડીંગમાં રહેતા 31 વર્ષીય રઝાક આલમખાન જેઓ બિલ્ડીંગ મજૂરીનું કામકાજ કરે છે. તેમનો 7 વર્ષીય છોકરો અબ્દુલ રઝાક આલમખાન પોતાની માતા સાથે ગૌરવ પથ રોડ ઉપર શાકભાજી લેવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અચાનક જ પૂર ઝડપે આવી રહેલી સ્કૂલ બસ ચાલકે બાળકને અડફેટે લીધો હતો અને તેમાં માતા બચી ગઈ હતી.
આ પણ વાંચો વડોદરામાં ત્રણ વર્ષના બાળકનું પાણીની નીકમાં પડી જતા મોત, Cctv આવ્યા સામે
બાળકનું ટૂંકી સારવાર બાદ મોત : જોકે અડફેટે લેતા બાળક દૂર ફેકાઈ ગયો હતો. ત્યા રબાદ બાળકને સારવાર અર્થે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બેથી ત્રણ હોસ્પિટલમાં બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળક નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા બાળકનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. હાલ આ મામલે પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે બસ ડ્રાઈવર ભાગ્યો ન હતો અને તે ઉભો રહ્યો હતો અને તેણે છોકરાને લઈને બેથી ત્રણ હોસ્પિટલ બતાવ્યું હતું.
બાળકની માતાનું નિવેદન :આ બાબતે મૃતક બાળકની માતા રઝિયાખાને જણાવ્યું કે, હું મારા છોકરાને લઈને ગૌરવ પથ ઉપર આવેલ શાકભાજી માર્કેટ પાસે શાકભાજી લેવા જઈ રહી હતી ત્યારે ત્યાંજ રોડ ઉપર સ્કૂલ બસ ચાલકે અમને અડફેટે લીધા હતા.હું તો બચી ગઈ હતી પરંતુ મારો છોકરો દૂર ફેંકાઈ ગયો હતો અને હું ઉભી થઈ એટલે છોકરાને જોઈને રડવા લાગી હતી. અને અકસ્માત થતાં જ લોકો પણ દોડી આવ્યા હતા. એમાં બસ ડ્રાઈવર પણ ભાગ્યો નહીં તો તે ઉભો રહ્યો હતો અને તેણે છોકરાને લઈને બેથી ત્રણ હોસ્પિટલ બતાવ્યું હતું. ત્યાં શું કર્યું મને કશું જ ખબર નથી. ત્યાંથી નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો તો અહીં પણ ડોક્ટરો કઈ કરતા હતા અને ત્યાર બાદ ડોક્ટરે કહ્યું હતું કે, તમારા છોકરાની ડેથ થઈ ચૂકી છે.