સુરત મહાનગર પાલિકાના વધુ 1 કર્મચારીની આવક કરતા વધારે સંપત્તિ મળી આવી છે. સુરત લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. આ વખતે ફરી પાલિકાના જુનિયર ઈજનેર હરેરામ સિંહ સામે ગુનો નોંધાયો છે.
ACBની તપાસમાં બહાર આવ્યું છે કે, હરેરામ સિંહની કાયદેસરની આવક કરતા 47.88 ટકા મિલકત અપ્રમાણસર છે. અગાઉ હરેરામસિંહ સામે વર્ષ 2012માં પણ લાંચ લેવા અંગેનો ગુનો નોંધાઈ ચુક્યો છે.
જુનિયર ઇજનેર હરેરામસિંહની બેનામી મિલકતનો ACB દ્વારા ચોંકાવનારો ખુલાસો હાલ સુરત લાંચ રૂશ્વત શાખા દ્વારા તક્ષશિલા અગ્નિકાંડના દોષીત અધિકારીઓની સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે. ACBએ અગાઉ પાલિકાના ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર પર આવક કરતા વધુ 1 કરોડની મિલકત હોવા મામલે ધરપકડ કરી હતી. આ મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે.
તક્ષશિલા અગ્નિકાંડ પહેલા 1 ઓનલાઈન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તક્ષશિલામાં ગેરકાયદેસર બાંધકામ અને તેનાથી થતી ટ્રાફિક સમસ્યા અંગેની ફરિયાદ હતી. પરંતુ આરોપી જુનિયર ઈજનેર હરેરામસિંહે 'necessary action will be taken'ની જાણ ફરિયાદીને ઓનલાઈન કરી હતી.
તે ઉપરાંત ગેરકાયદેસર બાંધકામનો ઉલ્લેખ હોવા છતાં હરેરામે આ ફરિયાદ સંબધિત ઝોન કચેરીના શહેર વિકાસ ખાતામાં ફરજ બજાવતાં અધિકારીઓને ટ્રાન્સફર કરી નહોતી. જે તેમની મોટી બેદરકારી હતી. જે માટે આરોપીને સસ્પેન્ડ પણ કરાયા છે.
હાલ સુરત ACB દ્વારા આરોપી હરેરામસિંહની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા અંગેની તજવીજ શરૂ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ અન્ય મિલકત સંબંધી તપાસ પણ સુરત ACB કરે તેવી શક્યતા રહેલી છે.
જો કે, સુરત ACBની કાર્યવાહી બાદ મનપા અધિકારીઓમાં એક પ્રકારનો સોપો પડી ગયો છે. ખાસ કરીને તક્ષશિલા અગ્નિકાંડ કેસ સાથે જોડાયેલા જવાબદાર અધિકારીઓમાં પણ હવે રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય અધિકારીઓ સામે સુરત ACB તપાસનો ગાળ્યો ફિટ કરે તો નવાઇ નહીં.