- સુરતના કડોદરા નજીક મિલમાં આગ લાગી
- કામરેજ અને બારડોલી ફાયર બ્રિગેડની મદદ લેવાઇ
- યાર્ન વિભાગમાં લાગી હતી આગ
- હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે
બારડોલી: કડોદરા રોડ પર પલસાણા તાલુકાનાં જોળવા ખાતે આવેલી જોળવા ગાર્ડન મિલમાં યાર્નના યુનિટમાં બુધવારે સવારે અચાનક આગ લાગતાં અફરતફરી મચી ગઈ હતી. બારડોલી અને કામરેજના ઈમરજન્સી રેસ્પોન્સ સેન્ટરની ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
કામદારોએ આગ બૂઝવવાનો પ્રયાસ કર્યો
બુધવારે વહેલી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ જોળવા ગાર્ડનના યાર્ન વિભાગમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગ વધુ પ્રસરતા અંદર કામ કરી રહેલા કામદારોએ આગ પર કાબૂ મેળવવા માટે ફાયરના સાધનો અને પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ગાર્ડનની ફાયરની ટીમ પણ આગ પર કાબૂ મેળવવા મથામણ શરૂ કરી હતી. તેમ છતાં આગ વધુને વધુ ફેલાતા બારડોલી નગરપાલિકા અને કામરેજ ERCની મદદ લેવામાં આવી હતી.
આગમાં કોઈ જાનહાનિ નહીં
આ અંગે બારડોલી ફાયર વિભાગના ફાયર ઓફિસર P.B. ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે 7.30 વાગ્યે કોલ મળતા અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી. આ ઉપરાંત કામરેજની ERCની પણ મદદ લેવામાં આવી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.