- સુમુલ ડેરીએ દૂધના ભાવમાં 20 નો ઘટાડો કર્યો
- દૂધના ભાવ ઘટાડી પશુપાલકોને મોટું નુકસાન
- દૂધના ભાવમાં ઘટાડો ન કરવા ડિરેક્ટરોની રજૂઆત
સુરત: સુમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં કાનૂની લડત વચ્ચે મતપેટી હજુ સીલ છે. ત્યારે આજે ચૂંટાયેલા ડિરેક્ટરોની અનૌપચારિક બેઠકમાં 1લી નવેમ્બરથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિયાળાની સિઝનમાં દૂધની આવક વધતી હોય છે. જેથી દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
મતપેટી કરવામાં આવી હતી સીલ
સુમુલ ડેરીના નિયામક મંડળની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે મતદાન થયા બાદ હાઇકોર્ટના આદેશથી મતપેટી સીલ છે. ત્યારે કાનૂની લડત ચાલુ હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ વિના ચાલતી વહીવટી કામગીરીમાં ચૂંટાયેલા ડિરેક્ટરોની અને સુમુલ ડેરી ખાતે બેઠક મળી હતી. જેમાં મીટિંગના અધ્યક્ષ તરીકે માનસિંગ પટેલના નામની દરખાસ્ત રાજુ પાઠકે મૂકી હતી. જેને સુરત ડિસ્ટ્રીક બેંકના ચેરમેન નરેશ પટેલે ટેકો આપતા મીટિંગ શરૂ થઈ હતી.
સુમુલ ડેરી દ્વારા 1લી નવેમ્બરથી પશુપાલકોને દૂધના કિલો ફેટના રૂપિયા 20 નો ઘટાડો કરવાનો નિર્ણય 1લી નવેમ્બરથી પ્રતિ કિલો ફેટે રૂપિયા 675 આપવાનો નિર્ણય
મીટિંગમાં પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ રૂપિયા 30 થી 35 નો ઘટાડો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં દૂધના ભાવ ઘટાડી પશુપાલકોને મોટું નુકસાન થયું છે. તેમજ દૂધના ભાવ ઘટાડા સાથે પશુ ખોરાક દાણના પણ ભાવ ઘટાડાની રજૂઆત થઈ હતી. ડિરેક્ટરોની ચર્ચાના અંતે સુમુલ ડેરી દ્વારા હાલના દૂધના કિલો ફેટ રૂપિયા 695 ભાવ છે. જેમાં રૂપિયા 20 નો ઘટાડો કરી 1લી નવેમ્બરથી કિલો ફેટે રૂપિયા 675 આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળામાં દૂધની આવક ઓછી હોવાથી ત્યારે કિલો ફેટનો ભાવ વધારે આપવામાં આવતો હોય છે.
ઘટાડો ન કરવા અંગે પણ ડિરેક્ટરોએ રજૂઆત કરી
જ્યારે શિયાળામાં દૂધની આવક વધતા ભાવમાં ઘટાડો થતો હોય છે. જોકે, કોરોના મહામારી અને પશુપાલકોની વર્તમાન પરિસ્થિતિમાં દૂધના ભાવમાં કિલો ફેટમાં ઘટાડો ન કરવા અંગે પણ ડિરેક્ટરોએ રજૂઆત કરી હતી. પરંતુ દૂધની આવક શિયાળામાં વધુ રહેતી હોવાથી રૂપિયા 20નો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.