સુરત : અકસ્માતની ઘટનામાં ભાઈનું મોત થતા માનસિક તણાવમાં રહેતાં નાના ભાઈએ આપઘાત કરી લીધો છે. આશિષ મહેશભાઈ કલસરિયા નામના બીએચએમએસના વિદ્યાર્થીએ દસમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો છે. સુરતના સારોલી ખાતે બીએચએમએસના વિદ્યાર્થી તેના ભાઈના મોત બાદથી જ માનસિક તણાવમાં રહેતો હતો. જેના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે સમગ્ર મામલે સારોલી પોલીસે તપાસ હાથ ધરી છે. આશિષ પાંચ દિવસ પહેલા જ સુરત આવ્યો હતો.
ભાઈના મોત બાદ માનસિક તણાવમાં રહેતો હતો આશિષ 5 દિવસ પહેલા સુરત આવ્યો : 19 વર્ષીય આશિષ મહેશભાઈ કલસરિયા 5 દિવસ પહેલા સુરત આવ્યો હતો. ભટાર સ્થિત કોલેજમાં બીએચએમએસમાં એડમીશન લીધું હતું પરંતુ કોલેજ અને હોસ્ટેલની વ્યવસ્થા થાય ત્યાં સુધી તે સંબંધીના ઘરે રહેતો હતો. આશિષ મૂળ રાજુલા તાલુકાના બર્બટાણા ગામનો વતની હતો અને સુરતના સારોલી વિસ્તારમાં આવેલા નેચરવેલી હોમ્સ ખાતે સંબંધીને ત્યાં રહેતો હતો. સારોલી સ્થિત સંબંધીના ઘરે 10માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. તેના આપઘાતના પગલે ચકચાર મચી જવા પામી હતી. તેને 108ની મદદથી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો Suicide case Surat: સુરતમાં 15 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, આપઘાતને લઈને પરિવારમાં થઇ છુટાહાથની મારામારી
પિતા ખેડૂત છે : આ સમગ્ર મામલે સારોલી પોલીસે તપાસ શરૂ કરી છે. સારોલીના એ.એસ.આઈ. દિલીપભાઈએ જણાવ્યું હતું કે, આશિષના પરિવારે જણાવ્યું છે કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. કારણ કે બે વર્ષ પહેલા તેના ભાઈનું અકસ્માતમાં મોત થયું હતું. આશિષના પિતા ખેડૂત છે અને વતનમાં ખેતી કામ કરે છે અને સુરતમાં તે છેલ્લા 5 દિવસ પહેલા જ આવ્યો હતો અને સંબંધીને ઘરે રોકાયો હતો. આશિષે આપઘાત કરતા પહેલા એક લખાણ લખ્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે કોઈના કારણે હું મરતો નથી. મારી ઈચ્છાથી મરું છું. હું કોઈના દબાવમાં નથી હું માનસિક બીમારીથી ત્રસ્ત છું, હેરાન છું.
આ પણ વાંચો Hostel girl suicide case: પ્રધાન બાવળિયાની હોસ્ટેલમાં આપઘાત મામલે ગૃહ રાજ્ય પ્રધાનને સચોટ કારણ શોધવા પત્ર
સુરતમાં જ અન્ય એક યુવાનનો આપઘાત : સુરતમાં યુવક દ્વારા આરઘાતનો બીજો દુખદ બનાવ પણ બન્યો હતો. જેમાં એક 18 વર્ષના યુવકે સોરી મમ્મી લખી આપઘાત કરી લીધો હતો. સુરત શહેરમાં વધુ એક 18 વર્ષીય યુવક ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 18 વર્ષીય હાર્દિક ઝડફીયા નામના યુવાને માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખી આપઘાત કરી લીધો હતો. આપઘાતને લઈ પરિવારમાં શોકનો માહોલ છે. સુરતમાં યુવાનોના આપઘાત કરવાના બનાવોમાં વધારો થયો છે. ચાર દિવસ અગાઉ જ મૃતક યુવકનો જન્મ દિવસ હતો. ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.