- વેટ અને સીએસટી કાયદા હેઠળ થતી કનડગત અંગે રજૂઆત
- ડીન નંબર ન હોય તો પત્રવ્યવહાર કે નોટીસ અમાન્ય
- ડીન નંબર થકી જ સૂચના વ્યાપારીઓને આપવી
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને તથા નાણાપ્રધાનને ગુજરાત એસજીએસટી વિભાગ દ્વારા વેપારીઓને વેટ અને સીએસટી કાયદા હેઠળ થતી કનડગત અંગે રજૂઆત કરવામાં આવી છે.
અધિકારીઓ દ્વારા વધુ પડતું દબાણ
આરોપ છે કે, વર્ષ 2015-16ના રીએસેસમેન્ટ અને વર્ષ 2016-17તથા વર્ષ 2017-18ની ઓડીટ આકારણીની કાર્યવાહી કરવા માટે રાજ્ય કરવેરા અધિકારીઓ દ્વારા વધુ પડતું દબાણ કરવામાં આવે છે. તથા વેપારી ઓડીટ સમન્સ દ્વારા હાજર ન થાય તો એક્ષપાર્ટી હાયપીચ એસેસમેન્ટ કરવાની ધમકી અપાઈ રહી છે. વેટ અને સીએસટીની કાયદાકીય જોગવાઈ અનુસાર, વર્ષ 2016-17 તથા 2017-18 ની ઓડીટ આકારણી વેટ કાયદાની કલમ–34 પેટા કલમ(9) અન્વયે અનુક્રમે તા. 31/03/2021 તથા 31/03/2022 સુધીનો સમયગાળો આપેલ છે. તેમ છતાં કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન રાજ્યના વેટ અધિકારીઓ દ્વારા વેપારીઓને ઓડીટ આકારણી કરવા અર્થે તાત્કાલીક ધોરણે હાજર થવા ફરમાન કરવામાં આવી રહ્યું છે.
અવ્યવહારુ વલણ વ્યાપારીઓને સર્જી રહ્યું છે ઘણી મુશ્કેલી
ઉપરોક્ત અવ્યવહારુ વલણ વ્યાપારીઓને ઘણી મુશ્કેલી સર્જી રહ્યું છે. આ વિષય અંગે ચેમ્બર દ્વારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી છે કે, કોવિડ– 19 મહામારીને ધ્યાને લઈ વેટ કાયદા હેઠળ ઓડીટ અંગેની કાયદાકીય સમયમર્યાદામાં વધારો કરી આપવા, એક્ષપાર્ટી એસેસમેન્ટની કાર્યવાહી અટકાવવા તથા કાયદામાં આપેલ સમયમર્યાદાનો લાભ વેપારીઓને મળવાપાત્ર થાય તેવું નિશ્ચિત કરવા રાજ્ય કરવેરા અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવા અંગે વિનંતી કરવામાં આવી છે.