ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીજીના આમંત્રણથી સુભાષબાબુ બારડોલીના હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં રહ્યાં હતાં હાજર - Bardoli

બારડોલી તાલુકાના હરિપુરાનું નામ 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા'નું સૂત્ર આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝના કારણે આજે દેશ દુનિયાના જાણીતું બન્યું છે. 1938માં હરિપુરા ખાતે યોજાયેલા કોંગ્રેસના 51માં અધિવેશનમાં ગાંધીજીએ તેમને અધ્યક્ષ બનાવ્યા હતા. જેને લઈને આજે પણ હરિપુરાનું નામ પડે એટલે સુભાષચંદ્ર બોઝનું નામ અવશ્ય યાદ આવે છે. આજે સુભાષબાબુની જન્મ જયંતિ નિમિત્તે ETV Bharat એ હરિપુરા ગામની મુલાકાત લઈ સુભાષબાબુ અંગે વધુ જાણવાનો પ્રયાસો કર્યો હતો

s
sa

By

Published : Jan 23, 2021, 10:51 AM IST

  • 1938માં હરિપુરા ખાતે યોજાયું હતું 51મુ કૉંગ્રેસ અધિવેશન
  • સુભાષ બાબુના અધ્યક્ષ પદે યોજાયું હતું અધિવેશન
  • આજે સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ


    બારડોલી: સુભાષચંદ્ર બોઝ અને ગુજરાતનો નાતો અનોખો છે. વર્ષ 1938માં દક્ષિણ ગુજરાતના બારડોલી તાલુકાના તાપી નદી કિનારે વસેલા નાનકડા ગામ હરિપુરામાં 51મું કોંગ્રેસ અધિવેશન સુભાષબાબુના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેના યજમાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા.

    ગાંધીજીના કહેવાથી સુભાષ બાબુએ અધિવેશનમાં પધારવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું

    બારડોલી સ્વરાજ આશ્રમના માનદ મંત્રી નિરંજનાબેન ક્લાર્થી ETV Bharat સાથે વાત કરતા જણાવે છે કે, વર્ષ 1938માં 19 થી 21મી ફેબ્રુઆરીએ બારડોલી તાલુકાના હરિપુરા ગામમાં કોંગ્રેસનું 51મું અધિવેશન યોજાયું હતું. તેઓ જણાવે છે સુભાષ બાબુ તે સમયે બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા હતા. ગાંધીજી પણ આશ્રમમાં જ હતા. ગાંધીજીએ સુભાષ બાબુને કહ્યું હતું કે ભલે આપણા રસ્તા અલગ હોય પણ મંજિલ તો એક જ દેશ આઝાદી છે. આથી તમારે બારડોલીમાં યોજાનારા કોંગ્રેસ અધિવેશનમાં આવવાનું છે. થોડો વિચાર કર્યા પછી સુભાષબાબુએ અધિવેશનમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વીકાર્યું હતુ. સરદાર પટેલ અધિવેશનના યજમાન અને સુભાષબાબુ અધ્યક્ષ બને તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
    ગાંધીજીના આમંત્રણથી સુભાષબાબુ બારડોલીના હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં રહ્યાં હતાં હાજર



    આ કારણસર કોંગ્રેસ અધિવેશન માટે થઈ ગામની પસંદગી

    ક્લાર્થીએ વધુમાં જણાવ્યું કે, કડોદ પાસે તાપી નદી કિનારે આવેલા હરિપુરા ગામની પસંદગી કરવામાં આવી તેનું મુખ્ય કારણ હરિપુરામાં 'હરિ'નું નામ અને પવિત્ર તાપી નદીનો કિનારો આવતો હોવાથી ગાંધીજીએ આ ગામની પસંદગી કરી હતી.


    ગામના 22 પરિવારોનો ગાંધીજી સાથે આફ્રિકામાં બંધાયો હતો નાતો

    આ ઉપરાંત ગામની પસંદગીનું અન્ય એક કારણ જણાવતા વડીલ મહેન્દ્રભાઈ કાલિદાસ પટેલ કહે છે કે, ગામના 22 પરિવારો જે આફ્રિકામાં રહ્યા હતા તેમણે તે વખતે ગાંધીજીના આંદોલનમાં મદદ કરી હતી. તેમની સાથે ગાંધીજીને જૂનો નાતો હતો. તેના કારણે પણ હરિપુરાનું કોંગ્રેસ અધિવેશન માટે પસંદ થયું હોવાનું માનવામાં આવે છે.


    અધિવેશનની સમગ્ર જવાબદારી સરદાર પટેલે સ્વીકારી હતી



    અધિવેશનના આયોજનની સમગ્ર જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલના શિરે હતી. સરદાર પટેલે અધિવેશન સ્થળનું નામ વિઠ્ઠલ નગર રાખ્યું હતું. અંદાજે 300 એકર જમીનમાં અધિવેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ નાનકડા ગામમાં દેશની આખી કોંગ્રેસના નેતાઓ અને પ્રમુખ સુભાષચંદ્ર બોઝ આવવાના હોવાથી સમગ્ર ગામમાં અત્યંત ઉત્સાહ અને ઉન્માદનું વાતાવરણ હતું. લોકો ગાંધીજી, સરદાર પટેલ, સુભાષબાબુ સહિતના પોતાના પ્રિય નેતાઓને નિહાળવા માટે તલપાપડ હતા.


    વિઠ્ઠલનગર નામના ખેતરમાં મળ્યું હતું અધિવેશન


    તાપી નદીના કિનારે આવેલા વિઠ્ઠલ નગર અધિવેશન સ્થળે પહોંચવા માટે સુભાષ બાબુનુ 51 શણગારેલા બળદોના રથથી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાંસદના મહારાજા ઇન્દ્રજીતસિંહે આ રથ તૈયાર કરાવ્યો હતો. જે રથમાં બેસી સુભાષ બાબુ ગામના પાદરેથી અધિવેશન સ્થળે પહોંચ્યા હતા.


    ગ્રામજનોનો આવો પ્રેમ જોઈને તે સમયે સુભાષ બાબુએ કહ્યું હતું કે, મેરે પાસ ઇસ પ્રસંશા કે લિયે એક ભી શબ્દ નહિ હૈ.


    2009માં નરેન્દ્ર મોદીએ અહીંથી જ ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના શરૂ કરી હતી


    અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23મી જાન્યુઆરી 2009માં હરિપુરાથી રાજ્યની 13 હજાર 693 ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details