સુરતનો નવનિર્મિત કલાકુંજ બ્રિજ લોકાર્પણના એક દિવસ બાદ ચર્ચામાં ઘેરાયો સુરત : મનપા દ્વારા વરાછા વોટરવર્ક્સથી કલાકુંજ થઇ રામનગર સોસાયટીને જોડતા બ્રિજના ફેઝ-3 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જોકે, પ્રથમ દિવસે જ બ્રિજના એક તરફના રેમ્પ પર નો એન્ટ્રીનું બોર્ડ હોવા છતાં એસટી બસ ઘૂસી ગઇ હતી. આ રેમ્પ પર 0.50 મીટરથી વધુ લંબાઈ ધરાવતા વાહનોની એન્ટ્રી નિષેધ હોવાના બોર્ડ લગાવ્યા હતા. પરંતુ બસ ડ્રાઈવરે ભૂલથી બસને રેમ્પ પર ઉતારી દીધી હતી.
નવનિર્મિત બ્રિજ ચર્ચામાં આવ્યો : બસ ડ્રાઈવરે બસને રેમ્પ પર ઉતારી તો દીધી પરંતુ આગળથી ટર્ન ન લાગતા મહામહેનતે બસને રીવર્સ મારી રેમ્પ પર ચઢાવવામાં આવી હતી. આ અજીબ દ્રશ્ય જોવા મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થઇ ગયા હતા. આ સમગ્ર બનાવનો વીડિયો હાલ વાયરલ થયો છે. આ ઘટનાને પગલે હવે મનપા દ્વારા હાઈટ રિસ્ટ્રિક્ટ કરતાં બેરિયર લગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રેમ્પ પર બસ ફસાઈ : સુરતના નાના વરાછા અને મોટા વરાછા વિસ્તારને જોડતા કલાકુંજ બ્રિજનું કામ પૂર્ણ થતા જ મનપા દ્વારા બુધવારે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રુપિયા 167.98 કરોડના ખર્ચે નિર્મિત આ બ્રિજનું લોકાર્પણ થતાં જ બ્રિજ લાઈમલાઈટમાં આવી ચુક્યો છે. કારણ કે, નાના વરાછા તરફ ઉતરતા રેમ્પ પર એસટી બસ ફસાયા બાદ બસને રિવર્સ લેવી પડી હતી. આ રેમ્પ પર 7.5 મીટરથી લાંબા વાહનોના પ્રવેશ નિષેધના બોર્ડ લગાવાયા છે. તેમ છતાં રેમ્પથી નીચે ઉતરવા જતા બસ ટર્ન લઈ શકી ન હતી અને બસને રિવર્સ લેવાનો વારો આવ્યો હતો.
કલાકુંજ બ્રિજ : છેલ્લા ઘણા સમયથી વિપક્ષ દ્વારા વરાછા કલાકુંજ બ્રિજને ખુલ્લો મુકવાની માંગ કરવામાં આવી રહી હતી. મનપા દ્વારા બ્રિજ ખુલ્લો નહીં મુકવામાં આવે તો સાત દિવસમાં વિપક્ષ દ્વારા બ્રિજ ખુલ્લો મૂકી દેવાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે મનપાએ બુધવારના રોજ રેલપ્રધાન અને સુરતના સાંસદ દર્શના જરદોશના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાવી દીધું હતું. બ્રિજનું લોકાર્પણ થતા જ આ બ્રિજના નાના વરાછા તરફ જતા રેમ્પ પર એસટી બસ ફસાઈ હતી. આ રેમ્પ પર લોકો બીજા છેડેથી રોંગ સાઈડ પણ આવી રહ્યા હતા.
મનપાનો નિર્ણય : આ સમગ્ર મામલે સુરત મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા બ્રિજ પર હેવી અને લાંબા વાહનોને પ્રવેશ નિષેધનું બોર્ડ લગાવ્યું છે. તેમ છતાં બસ રેમ્પ પર ઉતરવા જતા અટવાઇ હતી. આ ઘટનાને પગલે શાસકો દ્વા૨ા તાકીદે આ રેમ્પ પર ભારે વાહનો પ્રવેશી ન શકે તેવા ગર્ડર મુકવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
- Varachha Bridge Open Today : કેવો દેખાય છે સુરતનો 120મો બ્રિજ, જૂઓ આકાશીય દ્રશ્ય, દસ લાખ લોકોને મળશે રાહત
- Surat News: તાપી નદી બ્રિજ સ્પાને જોડતી લોખંડની પ્લેટ ખસી, હાઇવે પર લાંબો ટ્રાફિક જામ