સુરત : રાજ્યભરમાં આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં ગઈકાલે રાતે ધોરણ 10ના વિદ્યાર્થીનીએ પરિણામના ટેન્શનમાં આત્મહત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા શિવ નગરમાં 16 વર્ષીય નૂપુર જીગ્નેશ બન્સ જેઓ ધોરણ 10માં અભ્યાસ કરી હતી. તેઓ ગઈકાલે પોતાના જ ઘરે પરિણામના ટેન્શનમાં આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. આજે ધોરણ 10 પરિણામ જાહેર થઈ છે, તેના ટેન્શનમાં નૂપુર હતી અને તેણે બેથી ત્રણ વખત પરિવારમાં ચર્ચા કરી હતી કે, મારું પેપર સારું નથી ગયું. હું ફેલ થઈ જઈશ. ત્યારે મેં તેને સમજાવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ તે હતાશ રહેતી હતી. જોકે આજે તેનું પરિણામ આવ્યું છે, ત્યારે તે પાસ થઈ ગઈ છે. તે 64 ટકા સાથે પાસ થઈ છે, પરંતુ આ પરિણામ જોવા માટે નૂપુર આ દુનિયામાં રહી નથી. મને વિશ્વાસ હતો કે નૂપુર પાસ થઈ જશે, પરંતુ તે પાસ તો થઇ પોતાની જિંદગીમાં નાપાસ થઇ ગઈ છે. અમારા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. - બકુલેશ ભાઈ (મૃતક કિશોરીના કાકા)
માતાએ જોતા જ બુમાબુમ - વધુમાં જણાવ્યુ કે, ગઈકાલે સાંજે અમે બધા બહાર બેઠા હતા, ત્યારે નૂપુર બહાર બેસવા માટે આવી ન હતી. પછી અમે લોકો નૂપુરને બૂમો પાડી બોલાવી પણ તે આવી નહીં તેની મમ્મી અંદર ગઈ ત્યારે તેણે બૂમાબૂમ કર્યું હતું અમે અંદર ગયા તો તે રૂમમાં લટકતી જોવા મળી હતી. અમે તેને નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર તેમને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.