- પુત્રે પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી
- ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેના પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા
- સારવાર દરમિયાન પિતાનું મોત
સુરત : પુત્રવધુને માર મારી રહેલા પુત્રથી પુત્રવધુને છોડાવવા જતા પુત્રે પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. સુરતના ડીંડોલી વિસ્તારમાં આ ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પુત્રવધુને માર મારી રહેલા પુત્રને છોડાવવા જતા પુત્રએ કરી પિતાની હત્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાનું સારવાર દરમિયાન મોત
ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોઈન્ટ પાસે નવો હળપતિવાસ પાસે મનોજ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે. શનિવાર રાત્રે તેમનો પુત્ર મહેન્દ્ર તેની પત્ની ચૈતાલીને મોડું થતા માર મારી રહ્યો હતો. જેથી તેના પિતા તેને રોકવા વચ્ચે પડ્યા હતા. જેમાં પિતાને ધક્કો મારી મહેન્દ્રએ પોતાની પાસે રહેલું ચપ્પુ તેના પિતાને મારી દીધું હતું. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસે આરોપીની અટકાયત કરી
આ ઘટના બાદ મહેન્દ્રના નાના ભાઈ મહાદેવ મનોજ રાઠોડે ડીંડોલી પોલીસ મથકમાં તેના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી છે. બીજી તરફ પુત્રે જ પિતાની હત્યા કરતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે.