- ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં આગ લાગી
- આગથી 10 બાળકો બળીને ભડથું થયા
- આ કરૂણ ઘટના અંગે સ્મૃતિ ઈરાનીએ પ્રતિક્રિયા આપી
સુરત : લોકોને હચમચાવી દેનાર ઘટના મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાંથી સામે આવી છે. મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં આગ લાગવાથી 10 બાળકો બળીને ભડથું થયા છે. હોસ્પિટલના ન્યૂબોર્ન વોર્ડમાં 17 નવજાત બાળકો હતા. જેમાંથી કુલ 10 બાળકોના દુઃખદ મોત થયા છે. આ કરૂણ ઘટના આ અંગે સુરત ખાતે આવેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, નાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય છીનવાઈ ગયું છે. આખો દેશ દુઃખ વ્યક્ત કરે છે.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની ઘટના અંગે સ્મૃતિ ઈરાનીએ આપી પ્રતિક્રિયા ઉજ્જવળ ભવિષ્ય છીનવાઈ ગયું
આ ઘટના અંગે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે. પીડિત પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. બાળકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમનો ઉજ્જવળ ભવિષ્ય છીનવાઈ ગયું છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા પછી કોઈ ટિપ્પણી કરી શકાય. માત્ર આટલું જ કહી શકાય કે, જે બાળકોનું મોત થયું છે તે આખા દેશના નાગરિકો માટે દુઃખનો વિષય છે.
મહિલા અને બાળ મંત્રાલય દ્વારા રીપોર્ટ મંગાવવામાં આવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ હચમચાવી દેનાર ઘટનાને ધ્યાનમાં રાખી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ઘટના કેવી રીતે બની એ સંપૂર્ણ માહિતી કમિશન દ્વારા લેવામાં આવશે.