ઊભા રહી કીર્તન કરવાની પરંપરા બારડોલી : પૃથ્વી પર જન્મેલા તમામ જન હેતુના કલ્યાણ માટે સુરતના બારડોલીના પાલવાડા અશેસ બ્રાહ્મણ પરિવાર દર વર્ષે શ્રાવણના છેલ્લા અઠવાડિયે શિવનામ સ્મરણ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. હાલ 184મી સપ્તાહ ચાલી રહી છે. આ સપ્તાહમાં માત્ર શિવનામ સ્મરણ કરવામાં આવે છે અને તે પણ ઉભા રહીને સંગીતના તાલ સાથે. તો ચાલો આપણે જાણીએ બારડોલીના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલતી આ સપ્તાહની રસપ્રદ માહિતી.
અશેસ બ્રાહ્મણ સમાજનું આયોજન: બારડોલીની અડીને આવેલા ખલી ગામે 700 વર્ષ પુરાણું ઐતિહાસિક કેદારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ પવિત્ર મંદિરના પરિસરમાં દર વર્ષે શ્રાવણ વદ અમાસના એક અઠવાડિયા પહેલા અખંડ શિવનામ સ્મરણ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 183 વર્ષથી બારડોલીના પાલવાડા અશેસ બ્રાહ્મણ સમાજ દ્વારા આ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે.
બારડોલીના લખુભાઈ પાઠક નામના વડીલે આ સપ્તાહની શરૂઆત કરાવી હતી. આ સપ્તાહની ગણતરીની શરૂઆત થઈ ત્યારથી 184 વર્ષ થયાં છે. પરંતુ આ સપ્તાહ 500 વર્ષથી ચાલતી આવી હોવાની પણ માન્યતા પ્રવર્તે છે. જો કે આ અંગે સત્તાવાર કોઈ જાણકારી મળતી નથી...ભરતભાઈ પાઠક ( સપ્તાહમાં ભાગ લેનાર )
શ્રાવણ વદ આઠમેે શોભાયાત્રા : શ્રાવણ વદ આઠમના દિવસે શિવ સ્વરૂપ પંચવદનની શોભાયાત્રા બારડોલી ખાતે આવેલા જાગનાથ મહાદેવના મંદિર ખાતેથી પૂજા અર્ચના કરી કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા હનુમાન ગલીથી પ્રાચીન રામજી મંદિર મુકામે પહોંચે છે. જ્યાંથી સમસ્ત બ્રાહ્મણ સમાજ આ શોભાયાત્રામાં જોડાઈ વાજતેગાજતે ઢોલ નગારા સાથે પંચવદનને કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે લઈ જઈ સ્તુતિ પ્રાર્થના સાથે બ્રહ્મખંડમાં બિરાજમાન કરે છે.
સમસ્ત જીવોના રક્ષણ માટે પ્રાર્થના : બીજા દિવસે એટલે કે નોમના દિવસે પંચવદનની પૂજા અર્ચના કરી વિધિવત તેનું સ્થાપન કરી શિવનામ સ્મરણ સપ્તાહ શરૂ કરવામાં આવે છે. 183 વર્ષથી કરવામાં આવતી સપ્તાહએ 184માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સપ્તાહ પૃથ્વી પર જન્મેલ તમામ જીવોની રક્ષા અને કલ્યાણ હેતુ માટે કરવામાં આવે છે. ત્યારે પંચવદનની વાજતેગાજતે નીકળેલી શોભાયાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. બ્રાહ્મણ સમાજની સાથે સાથે કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે પહોંચેલા દર્શાનાર્થીઓએ પણ પંચવદનના દર્શનનો લાભ લેતા હોય છે.
દેશમાં માત્ર બે જ જગ્યાએ થાય છે આવી સપ્તાહ : સમગ્ર દેશમાં શિવનામ સ્મરણ સપ્તાહ દેશમાં માત્ર બે જ જગ્યાએ થાય છે. એક કોલકાતામાં અને બીજી બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે. આ સપ્તાહ દરમ્યાન દૂર દૂર વસેલા બ્રાહ્મણ પરિવારો વિશેષ બારડોલી આવી સપ્તાહનો લાભ લેતા હોય છે.
ઉભા ઉભા જ કીર્તન કરવાનું હોય છે: શ્રાવણના છેલ્લા અઠવાડિયામાં સતત 24 કલાક આ સપ્તાહમાં શિવનામનું સ્મરણ અને ધૂન કરવામાં આવતી હોય છે. જેમાં ગર્ભગૃહમાં રહીને થતી આ સપ્તાહમાં બ્રાહ્મણોએ અબોટિયું પહેરવું ફરજિયાત છે અને ઉભા ઉભા જ કીર્તન કરવાનું હોય છે. આથી બ્રાહ્મણોએ ત્રણ ત્રણ કલાકની વારી બાંધી 24 કલાક સુધી કીર્તન કરવામાં આવે છે.
- અનોખી ભક્તિ આ ગામે 183 વર્ષથી ચાલતી પરંપરા ટકાવી રાખી
- મહાશિવરાત્રિ પર જાણો બારડોલીના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરનું મહાત્મ્ય
- જાણોઃ બારડોલીનું પૌરાણિક કેદારેશ્વર મહાદેવનો મહિમા