સુરત : કાપોદ્રા વિસ્તારની શ્રવણ ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદ વૃદ્ધોને તેમના જ રહેણાંક વિસ્તારે જ શાકાહારી ભોજન મોકલવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ 60 વર્ષથી વધુની ઉંમરના નિ:સંતાન , નિ:સહાય કે, જેઓ જરૂરિયાતમંદ છે અને એકલવાયુ જીવન વ્યતિત કરી રહ્યાં છે. તેમને જમાડવાનું કાર્ય આ સંસ્થા 6 વર્ષથી કરે છે. અત્યાર સુધીમાં તે લગભગ 250 જેટલા વૃદ્ધોનો સહારો બની ચુકી છે. શારીરિક રીતે અસક્ષમ હોય એ જ વૃદ્ધોનો સહારો બનનાર આ સંસ્થાને અત્યાર સુધીમાં 4000 જેટલા કોલ આવી ચુક્યા છે. કોલ આવ્યા બાદ તેમની પાંચ સભ્યોની ટીમ સર્વે કરે છે અને ત્યારબાદ જ જરૂરિયાત મુજબ તેમને ભોજન પહોંચાડવામાં આવે છે.
સુરતમાં 60 વર્ષથી વધુની ઉંમરના નિ:સંતાન, નિ:સહાય 250 વૃદ્ધો માટે 'શ્રવણ' સેવા - શ્રવણ ટિફિન સેવા
લોકડાઉનના કારણે બે ટાઈમના ભોજન માટે હાલ ચિંતાતુર બનેલા ગરીબ અને શ્રમજીવી પરિવારોના વ્હારે શહેરની સેવાભાવી સંસ્થાઓમાની એક શ્રવણ ટિફિન સેવા નામની સંસ્થા આગળ આવી છે. આ સંસ્થા દ્વારા સામાન્ય દિવસોમાં પણ 60 વર્ષથી વધુ ઉંમરના 150 વડીલોને જમવાનું પહોંચાડવામાં આવે છે. ત્યારે આ લોકડાઉન જેવી પરિસ્થિતિમાં તેમણે બીજા 100 વડીલો માટે પણ ટિફિન શરૂ કર્યા છે. આ એવા વડીલો છે,જેમના દીકરાઓ અન્ય પ્રાંતમાં છે, અથવા તો તેમનું કોઈ નથી.
હાલમાં તેઓ 250 વૃદ્ધોને જમાડવાનું કાર્ય કરી રહ્યાં છે અને એ પણ એકદમ નિઃશુલ્ક સભ્યો દ્વારા નિશ્ચિત સ્થળે બે ટુ-વહીલર અને એક ફોર વહીલર દ્વારા જમવાનું પહોંચાડવામાં આવે છે. અત્યાર સુધીમાં તેઓ દ્વારા લસકાણાથી લઈને ડભોલી, મહિધરપુરા અને નાનપુરા જેવા વિસ્તારો સુધી વૃદ્ધોનો સહારો બન્યા છે.
આ સાથે જ 1340 જેટલી રાશન કીટ વરાછા અને કામરેજ વિસ્તારના બિનગુજરાતી કારીગરોને આપવામાં આવી છે. જેમાં એક વ્યક્તિને 15 દિવસ ચાલે એટલું રાશન લોટ, ચોખા, દાળ, મરચું, મીઠું, ચા, ખાંડ અને તેલનો સમાવેશ કરવામાં આવ્યા છે.