ગરીબોનું અનાજ પચાવી ખાતા આ "બકાસુર" સુરત :ગરીબ પરિવારોને અનાજ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા NFSA સ્કીમ હેઠળ અનાજ આપવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત ફિંગર પ્રિન્ટના માધ્યમથી અનાજ મેળવી શકાય છે. ત્યારે સુરત શહેરમાં અનાજ વેચાણનું લાયસન્સ ધરાવનાર દુકાનદારે પોતાના જ કમ્પ્યુટર ઓપરેટર સહિત મળીને ગ્રાહકોના ફિંગર પ્રિન્ટનો દુરુપયોગ કરી 28 લાખથી વધુનું અનાજ બારોબાર સગેવગે કર્યું હતું. આ અંગેની જાણ થતાં મામલતદારે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં અનાજ ચોરી :દેશભરમાં કેન્દ્ર સરકાર તરફથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ મળી રહે તે માટે NFSA સ્કીમ હેઠળ અનાજ આપવામાં આવે છે. આ અનાજ લોકોને સહેલાઈથી મળી રહે તે માટે વેચાણનું લાયસન્સ ધરાવતા દુકાનદારોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ આ સ્કીમ હેઠળ કૌભાંડ આચરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો જ એક બનાવ સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરત શહેરના અંબાનગર વિસ્તાર ખાતે ગરીબ લોકોને સરકારી અનાજ મળી રહે તે માટે વેચાણ લાયસન્સ દુકાનદારને આપવામાં આવ્યું હતું. આ દુકાનદારે જ ગ્રાહકોના ફિંગર પ્રિન્ટનો દુરુપયોગ કરી અનાજને બારોબાર સગેવગે કર્યું હતું.
આસ્તીન કા સાંપ :આરોપી ઈશ્વરચંદ્ર મૌર્ય સરકારી અનાજમાં છેલ્લા ઘણા સમયથી ગોબાચારી કરી રહ્યો હોવાની જાણ મામલતદારને થઈ હતી. દુકાનદાર ઈશ્વર મૌર્ય પર આરોપ છે કે તેણે NFSA સ્કીમ હેઠળ ગ્રાહકોના ફિંગર પ્રિન્ટ લઈ તેનો ઉપયોગ અલગ અલગ મહિનામાં કરતો હતો. રેશનકાર્ડ ધારકના ફિંગર પ્રિન્ટનો દુરુપયોગ કરી તે અનાજની કુપન કાઢતો હતો. જરૂરિયાતમંદને મળવાપાત્ર લાખો રૂપિયાના અનાજને બહાર વેચી સગેવગે કરી દેતો હતો. આ અંગે જાણકારી મળતા જ મામલતદાર પંકજકુમાર મોદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
લાખોનું અનાજ સગેવગે કર્યુ : આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ બ્રાંચના ACP યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મામલતદાર તરફથી છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે દુકાનદાર, કોમ્પ્યુટર ઓપરેટર સહિત ત્રણ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. આ આરોપીઓએ આજ દિન સુધી 354 કિલો ઘઉં, 4.2 કિલો ખાંડ, 711 કિલો ચોખા, 4 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 97 કિલો મીઠું અને એક લીટર સીંગતેલ મળી કુલ 28 લાખ રૂપિયાનો મુદ્દામાલ બારોબાર સગેવગે કર્યો હોવાની જાણકારી મળી છે.
- Surat Crime : માંગરોળમાં પોલીસ પર થયો પથ્થરમારો, પિપોદરા GIDC પોલીસ છાવણીમાં ફેરવાયું
- Surat News: સ્ટોન ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગના વિરોધમાં અરેઠ ગામે સજ્જડ બંધ પાળ્યો