- વરાછામાં આવેલું છે શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘર
- શાંતિદૂત મહિલા મંડળની બહેનોએ લલીતાબાના પાર્થિવ દેહને આપી મુખાગ્નિ
- વૃદ્ધ અને નિરાધાર મહિલાઓની કાર્યકરો તથા પ્રમુખ દ્વારા કરવામાં આવે છે સેવા
સુરત : વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધનું નિધન થતા શાંતિદૂત મહિલા મંડળની બહેનોએ અને અન્ય મહિલાઓએ પણ કાંધ આપીને 74 વર્ષિય લલીતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. સામાન્ય રીતે મહિલાઓને અંતિમવિધિ માટે સ્મશાનમાં જવાનું હોતું નથી.
શ્રવણ બની મહિલાઓ કરે છે ઘરડા ઘરમાં અવસાન પામનાર મહિલાઓના અંતિમ સંસ્કાર ઘરડા ઘરની બહેનોએ વૃદ્ધાની અંતિમ વિધિ કરી
સુરતમાં આવેલા ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધાનું નિધન થતા ઘરડા ઘરની બહેનોએ વૃદ્ધાની અંતિમ વિધિ કરી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર રામકૃષ્ણ સોસાયટીમાં શાંતિદૂત મહિલા મંડળ ઘરડા ઘરમાં વૃદ્ધ અને નિરાધાર મહિલાઓને આશરો આપવામાં આવે છે. મંડળના પ્રમુખ મધુબેન ખેની અને તેમના સાથીઓ દ્વારા ઘરડાઓની સેવા કર્યા બાદ તેમના અંતિમ સંસ્કાર પણ ડાઘુ બનીને જાતે જ કરવામાં આવે છે. તેથી ઘરડાઘરની અન્ય મહિલાઓએ પણ કાંધ આપીને 74 વર્ષિય લલીતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.
74 વર્ષીય વૃદ્ધાની સ્મશાન યાત્રામાં કાર્યકરો તથા પ્રમુખ પણ જોડાયા
વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાં 74 વર્ષીય લલીતાબા ગોપાલભાઈ રાઠોડ 3 વર્ષથી રહેતા હતાં. જેમનું રાત્રે અઢી વાગ્યે અવસાન થયું હતું. તેમની સ્મશાન યાત્રા બુધવારે બપોરે 11 વાગ્યે નીકળી હતી. જેમાં આશ્રમમાં રહેતી મહિલાઓ અને કાર્યકરો તથા પ્રમુખ મધુબેન ખેની પણ જોડાયા હતાં. લલીતાબા છેલ્લાં દોઢ વર્ષથી પથારીવશ હતાં. તેમના મળમુત્ર પણ પથારીમાં થતાં હતાં. સંસ્થાના કાર્યકરે જણાવ્યું હતું કે, પુત્ર ન કરી શકે તેવી સેવા સંસ્થાના પ્રમુખ મધુબેન દ્વારા કરવામાં આવતી હતી.
સંસ્થામાંથી થયા છે 8 માતાઓના અવસાન
આ ઘરડાઘરમાં કોઈ પણ માતા મૃત્યુ પામે તો તેની તમામ ક્રિયા અને બધી જ જવાબદારી સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવે છે. એટલુ જ નહી પણ મધુબેન ખેની શ્રવણ બનીને માતાને પોતાની કાંધ આપે છે. અત્યાર સુધીમાં સંસ્થામાંથી 8 માતાઓના અવસાન થયા છે.