સુરત : શહેરમાં સમયાંતરે સામાન્યથી ભીષણ આગની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. આવા સમયે આગ પર તાત્કાલિક ધોરણે કાબુ મેળવવા ફાયરના જવાનોની પ્રાથમિકતા બનતી હોય છે. સુરત ફાયર વિભાગના બાવીસ જેટલા વાહનો કંડમ હાલતમાં થઈ ગયા હતા. જ્યાં અન્ય ફાયર ફાઇટર સહિતના વાહનોની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. જેના ભાગરૂપે આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વીભાગને સાત જેટલા અદ્યતન સુવિધા સાથેના વાહનો અર્પણ કરવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા 4 કરોડથી વધુના સાત જેટલા વાહનોની ખરીદી કરાઇ
ફાયર વિભાગની કામગીરીમાં અદ્યતન વધારો કરવાની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે ચાર કરોડથી વધુના સાત જેટલા વાહનોની ખરીદી કરવામાં આવી છે. જેમાં અદ્યતન સુવિધા સાથેની રિમોટ કંટ્રોલ વાહન નો સમાવેશ થાય છે. જે પ્રતિ મિનિટે ચાર હજાર લીટર પાણીનો ફોમ ચલાવવાની શ્રમતા ધરાવે છે. શહેરમાં બનતી ભીષણ આગ જેવી ઘટનાના સમયે યુદ્ધના ધોરણે કામગીરી કરી શકાય તે હેતુથી પાલિકા દ્વારા કરોડોના ખર્ચે ફાયર વાહનોની ખરીદી કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ, ડેપ્યુટી મેયર તેમજ મેયર સહિતના અધિકારીઓની હાજરીમાં વિધિવત રીતે સાત જેટલા ફાયરના વાહનો સુરત ફાયર વિભાગને આપવામાં આવ્યા હતા. આશરે ચાર કરોડના ખર્ચે આપવામાં આવેલા સાત જેટલા ફાયરના વાહનોમાં અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ અંગે સુરત ફાયર ચીફ બસંત પરીખે સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શહેરની વિવિધ બિલ્ડીંગો, ટેકસ્ટાઈલ્સ માર્કેટ અને કારખાનાઓમાં બનતી આગની ઘટનાઓ પર તાત્કાલિક કાબુ મેળવવામાં આ વાહનો અતિ ઉપયોગી નીવડશે. વાહનોમાં પાંચ હજાર લીટર ક્ષમતા ધરાવતી વાહન ટેન્ક છે. આ આ સાથે રિમોટ કંટ્રોલ વાહન છે, જે પ્રતિમિનિટે ચાર હજાર લીટર પાણીનો ફોમ ચલાવવાની ક્ષમતા ધરાવે છે. ફાયરની આ સુવિધાઓમાં વધારો થતાં બનતી આગની ઘટનાઓ પર તાત્કાલિક કાબુ મેળવવામાં પણ મોટી રાહત મળશે.