- એમ.બી. વામદોત હાઈસ્કૂલમાં 10 અને 12ના પ્રત્યક્ષ વર્ગો શરૂ
- કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે વિદ્યાર્થીઓને કરાવ્યો શાળામાં પ્રવેશ
- પ્રથમ દિવસે શાળામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ આપ્યું માર્ગદર્શન
- વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
બારડોલી : કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. અનલોક જાહેર થયા બાદ તબક્કાવાર અલગ અલગ રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ હતી. પરંતુ ગુજરાતમાં કેસોની સંખ્યા વધુ હોય શાળા શરૂ કરવાનો નિર્ણય પડતો મુકાયો હતો. દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી સરકારે સોમવારથી ધોરણ 10 અને 12ના પ્રત્યક્ષ વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવતા ઈશ્વર પરમાર
સુરત જિલ્લા સહિત બારડોલીમાં પણ આજથી શાળા શરૂ કરવામાં આવી હતી. સર્વોદય નગરમાં આવેલી એમ.બી.વામદોત હાઈસ્કૂલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે, વાલીઓની સંમતિ સાથે 300 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે. ધોરણ 10 અને 12માં તબક્કાવાર ગાઈડલાઈનના પાલન સાથે શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓના ચહેરા પર એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાને શૈક્ષણિક કાર્યમાં જોડાયેલા શાળા સંચાલકો, શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આગામી દિવસોમાં વધુ વાલીઓ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે સંમતિ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે આગામી દિવસોમાં યોજાનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે શુભકામના પાઠવી હતી.
ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ