સુરત: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કેટલાક લોકો બોગસ આધારકાર્ડ, માર્કશીટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે એક ડમી ગ્રાહક મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ 131 પ્રકારના અનેક બોગસ દસ્તાવેજ જપ્ત કર્યા છે. પાંડેસરા વિસ્તારમાં આ લોકો સોલાર કમ્પ્યુટર નામની દુકાન ધરાવતા હતા. જે લોકો પાસે કોઈ પણ પ્રકારના પુરાવા ન હોય તેવા લોકોને આ લોકો બોગસ માર્કશીટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવીને આપતા હતા.
ફોટોશોપ સોફ્ટવેરની મદદથી બોગસ ડોક્યુમેન્ટ્સ:પોલીસે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારે આરોપી કમ્પ્યુટરના માધ્યમથી બોગસ ઓળખના પુરાવા બનાવી આપતા હતા. આરોપીઓ ફોટોશોપ સોફ્ટવેરની મદદથી બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી ડોક્યુમેન્ટ્સ તેમજ માર્કશીટ બનાવીને લોકોને આપતા હતા. ચારે આરોપીમાંથી બે ગ્રેજ્યુએટ અને બે 12 પાસ છે. બે આરોપીઓએ ખાસ આ બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે ફોટોશોપ પણ શીખ્યા છે. તે મૂળ યુપીના રહેવાસી 37 વર્ષીય મન્ટુકુમાર સિંહની ધરપકડ કરી છે. તેની સાથે 23 વર્ષીય અખિલેશ પાલ 20 વર્ષીય મયંક મિશ્રા અને 31 વર્ષીય સંજીવ નિષાદની ધરપકડ કરી છે.