ગુજરાત

gujarat

ETV Bharat / state

Sandhiyer Primary School : સુરતના સાંધીએર ગામે તંત્રના પાપે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા મજબૂર - શાળાના ઓરડાઓ જર્જરિત

ગતિશીલ ગુજરાતમાં સુરત જિલ્લાની એક એવી પ્રાથમિક શાળા કે જે શાળાના વિદ્યાર્થી વર્ગ ખંડમાં નહી, પરંતુ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કંઈક આવી જ દશા છે ઓલપાડના સાંધીએર ગામની પ્રાથમિક શાળાની. તંત્રના પાપે શાળાના વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ વધુમાં જિલ્લા પંચાયત દ્વારા દાનમાં મળેલી જમીન ઉપર બનેલી શાળા તોડી આ જમીન ગ્રામ પંચાયતને ફાળવી દેવાતા પડ્યા પર પાટું પડ્યું છે.

Sandhiyer Primary School
Sandhiyer Primary School

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 2:59 PM IST

સુરતના સાંધીએર ગામે તંત્રના પાપે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા મજબૂર

સુરત :રાજ્યના શિક્ષણ વિભાગનું સૂત્ર છે, સૌ ભણે સૌ આગળ વધે. આ સૂત્ર ખૂબ સુંદર છે, પરંતુ સુરત જિલ્લામાં આ સૂત્રના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે. ઓલપાડની સાંધીએર પ્રાથમિક શાળા કે જ્યાં વિદ્યાર્થીઓ શાળાના વર્ગખંડમાં નહી પરંતુ વર્ગખંડની બહાર બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. પ્રાથમિક શાળાના 3 ઓરડા છેલ્લા ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે. ઓરડાના સ્લેબમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. જેને કારણે ઓરડા છેલ્લા ઘણા સમયથી બંધ અવસ્થામાં છે.

મજબૂર વિદ્યાર્થીઓ : શાળાના ઓરડાઓ જર્જરિત થતાં વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ અંગે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા તંત્રને અનેક વખત જાણ કરવામાં આવી છે. પરંતુ ઘોર નિંદ્રામાં પોઢેલા તંત્રને શાળાના શિક્ષકોની રજૂઆત નહી સંભળાતા તેનો સીધો ભોગ શાળાના વિદ્યાર્થી બની રહ્યા છે. તંત્રના પાપે અને વર્ગખંડના અભાવે શાળાના વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર બેસી શિક્ષણ મેળવી રહ્યા છે. અનેક વખતની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શાળામાં ત્રણ ઓરડા જર્જરિત હાલતમાં છે. બાળકોને બેસવાની ખૂબ તકલીફ પડી રહી છે. બે ક્લાસના વિદ્યાર્થીઓને બહાર બેસાડી શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ અમારે પાંચ ઓરડાની પણ ઘટ છે. -- અમીષાબેન પટેલ (આચાર્ય, સાંધીએર પ્રાથમિક શાળા)

શાળાની જર્જરિત હાલત : પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ કાર્યરત છે. જેમાં કુલ 154 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાંધીએર પ્રાથમિક શાળાની હાલની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. શાળામાં પહેલાથી જ ઓરડાની ઘટ છે. તેવામાં 3 ઓરડા છેલ્લા 6 મહિનાથી જર્જરિત અવસ્થામાં બંધ છે. શાળામાં ઓરડાના અભાવે શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં ખૂબ તકલીફ પડી રહી છે. બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષકો દ્વારા એક જ ઓરડામાં બે ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવાની ફરજ પડી રહી છે. તો અન્ય ધોરણના વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓરડાના અભાવે શાળાના બાળકોની સાથે સાથે શિક્ષકો પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ખૂબ દુઃખની વાત છે કે, શાળાની આટલી દયનીય સ્થિતિ તંત્રને કેમ દેખાતી નથી? હાલ શાળામાં 5 ઓરડાની ઘટ છે. ત્યારે વહેલી તકે તંત્ર શાળાને જરુરી બજેટ ફાળવે તેવી માંગ શાળાના શિક્ષકો કરી રહ્યા છે.

શાળાની જર્જરિત હાલત

પડ્યા પર પાટું :શાળાના ઓરડાની ઘટ વચ્ચે જિલ્લા પંચાયતે શાળાની જમીન ગ્રામ પંચાયતને પંચાયત ભવન માટે ફાળવી દેવાતા ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો છે. આઝાદી પહેલા શાળા બાંધવા માટે આ જમીન દાનમાં આપી હતી. ત્યારે શાળાના વર્ગખંડો તોડી ત્યાં પંચાયત ભવન બનાવી દેવાતા લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે. હાલ પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ છે. શાળાના વિદ્યાર્થી ઓરડાની બહાર શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. ત્યારે શાળાની જમીન ઉપર પંચાયત ભવન બનાવી દેવાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. શાળાના બાળકોને અગવડ નહી પડે અને બાળકોને સારું શિક્ષણ મળે રહે તે માટે વહેલી તકે કોઈ જગ્યા ફાળવી નવા ઓરડા બનાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. આ મામલે ગામના જાગૃત નાગરિકે બાળકોના અભ્યાસ કરતા ગ્રામપંચાયતના ભવનને આપતી પ્રાથમિકતાને લઈને હાઈકોર્ટમાં અરજી પણ કરી છે.

ગ્રામજનોની માંગ : ઓલપાડ તાલુકાના ઐતિહાસિક સાંધીએર ગામમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. મહત્વનું છે કે, મહાત્મા ગાંધી દાંડીકૂચ દરમિયાન સાંધીએર ગામ ખાતે રોકાયા હતા. આ સિવાય પણ ગામમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. ત્યારે આવા ગામમાં શિક્ષણનું સ્તર નીચે જતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. સાંધીએર ગામની પ્રાથમિક શાળામાં બાળકો વર્ગખંડની બહાર ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ગતિશીલ ગુજરાત અને સુરત સ્માર્ટ સિટીમાં વિદ્યાર્થીઓની આવી કફોડી હાલત ખરેખર એક ચિંતાનો વિષય બન્યો છે. તંત્રએ વહેલી તકે આ શાળાની મદદે આવવું જોઈએ જેથી શાળાએ અભ્યાસ કરવા આવતા ગરીબ આદિવાસી બાળકોને પાયાનું ઉચ્ચ કોટિનું શિક્ષણ મળી રહે.

  1. Granted School's Teachers Protest: કરાર આધારિત ભરતી મુદ્દે બનાસકાંઠાના શિક્ષકોએ થાળી વગાડી સરકાર સામે દર્શાવ્યો વિરોધ
  2. Surat News: ઓલપાડના કુડસડ ગામે શ્રી ધન્વંતરી ઈન્ટરનેશનલ સ્કૂલમાં તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો

ABOUT THE AUTHOR

...view details