જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી, ગંદુ ગામ, રોગનું ધામ આ દૃશ્યો છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામના સાયણ ગામ રોગચાળાના ભરડામાં સપડાયું છે. ઝાડા-ઉલ્ટીના અનેક કેસો નોંધાતા સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. રોગચાળો ફેલાવાનું મુખ્ય કારણ પૂરના પાણીને કારણે થયેલી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ છે. અત્યાર સુધીમાં ઝાડા-ઉલ્ટીના અનેક કેસો નોંધાયા છે. મોટાભાગના દર્દીઓને સાયણ ખાતેની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર ચાલી રહી છે. દિન-પ્રતિદિન કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
સુરતનું સાયણ ગામ રોગચાળાના ભરડામાં
સુરત: PM મોદીના સ્વચ્છતા અભિયાનના સુરતમાં લીરે લીરા ઉડ્યા હતા. જેમાં સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેમ છતાં રોગચાળામાં બે લોકોના શંકાસ્પદ મોતને પગલે હરકતમાં આવેલા આરોગ્ય તંત્ર હજુ પણ સ્થિતિ કંટ્રોલમાં હોવાનું કહી રહ્યું છે.
રોગચાળાને પગલે અધિકારીઓ દોડતા થયા છે. ઘટનાની ગંભીરતા સમજી સુરત જિલ્લા વિકાસ અધિકારી પણ સાયણ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે દર્દીઓની મુલાકાત લઇ ખબર-અંતર પૂછ્યા હતા. બે લોકોના શંકાસ્પદ મોતને લઇ અધિકારીઓમાં દોડધામ મચી છે. જિલ્લા અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી આરોગ્ય વિભાગ સ્થિતિ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી છે.
એક દર્દીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જે હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે સાયણ ગામમાં આદર્શ નગર અને રસુલાબાદ જેવા અનેક વિસ્તારોમાં ત્રણ-ચાર દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા ન હતા, જે બાદ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ સ્થિતિ ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળ રહેવાના કારણે આજે ગ્રામજનોએ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બનવું પડી રહ્યું છે.