અંકલેશ્વર: RBI એટલે કે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે કે, ગ્રાહકોએ ક્યારેય પણ અજાણ્યાનંબર પરથી ફોન આવે ત્યારે બેન્ક એકાઉન્ટ નંબર, તેમજ પિન વગેરેની માહિતી આપવી નહીં.
તેમ છતાં અનેક લોકો ભોળપણમાં આ વિગતો આપી નાણાકીય ઉચાપતનો ભોગ બને છે. સમગ્ર દેશમાં સાઇબર ક્રાઇમના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે.
બેન્ક અધિકારીના નામે વાત કરી માંગ્યો એકાઉન્ટ નંબર:
અંકલેશ્વર GIDCની શ્રી સાંઈ એન્ટરપ્રાઈઝમાં સર્વિસ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હસમુખ વસાવાના મોબાઈલ પર એપ્રિલ માસમાં ફોન આવ્યો હતો અને તે વ્યક્તિએ બેન્ક અધિકારીના નામે વાત કરી હસમુખભાઇના દીકરા-દીકરી માટે સ્કોલરશીપ જમા કરાવવા એકાઉન્ટ નંબર અથવા કાર્ડ નંબર માંગ્યો હતો. હસમુખભાઈએ તેમના ક્રેડિટ કાર્ડનો નંબર આપી દીધો હતો.
પોલીસે શરૂ કરી તપાસ:
ત્યારબાદ અલગ અલગ 4 ટ્રાન્ઝેક્શન દ્વારા હસમુખભાઇના એકાઉન્ટમાંથી રૂપિયા 57 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે તેમણે બેન્કમાં જાણ કરી હતી પરંતુ બેંક દ્વારા તપાસ ન કરાતા આખરે તેમણે પોલીસને અરજી આપતા GIDC પોલીસે તપાસ શરૂ કરી છે.