શાળાના બાળકોના જીવ જોખમમાં મૂકતા વાહનચાલકો સામે તંત્રની તવાઈ સુરત :જિલ્લા કલેક્ટરના આદેશથી સુરત RTO દ્વારા શહેરમાં એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળાના બાળકોને ઠાંસી ઠાંસીને ભરતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ 51 સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો પાસેથી છેલ્લા બે દિવસમાં રુ. 6 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
RTO સ્પેશિયલ ડ્રાઇવ: ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા જ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગને શાળાના બાળકોના આવનજાવન અંગે ફરિયાદ મળી હતી. તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે પત્ર લખ્યો હતો. ત્યારબાદ આ બાબત જિલ્લા કલેક્ટર પાસે પહોંચતા તેમણે સુરત RTO ને દર મહિને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવા માટે આદેશ કર્યો હતો. જેથી સુરત RTO દ્વારા દર મહિને આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઇવ શરુ કરવામાં આવી છે.
સુરત RTO દ્વારા બાળકોને ઠાંસી ઠાંસીને ભરતા સ્કૂલ વાન અને રીક્ષા ચાલક સામે મોટર વ્હીકલ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં છેલ્લા બે દિવસમાં એટલે કે ગુરૂવાર અને શુક્રવારના 51 સ્કૂલ વાન-રીક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમના પાસેથી છેલ્લા બે જ દિવસમાં 6 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ અંગે કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.-- આકાશ પટેલ (સુરત RTO અધિકારી)
જોખમી સવારી: શાળાએ જતા બાળકોને સ્કૂલવાન અથવા ઓટો રીક્ષામાં ઠાંસી ઠાંસીને બેસાડવામાં આવે છે. અમુકવાર તો બાળકો વાહનની બહાર લટકતા હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ સ્કૂલવાન અને રિક્ષાચાલકો વધારે ભાડાની લાલચે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકતા હોય છે.
કલેક્ટરનો આદેશ: આ વાતને ધ્યાનમાં લઈને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગને ફરિયાદ મળતાં તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો હતો. ત્યારબાદ આ બાબત કલેકટર પાસે પહોંચતા તેમણે આરટીઓને દર મહિને સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવા માટે આદેશ કર્યો હતો.
- લક્ષચંડી મહાયજ્ઞ કાર્યક્રમ સ્થળે બનાવાયો સ્પેશિયલ ટ્રેક, 4000 લોકોએ લીધો ડ્રાઈવિંગનો અનુભવ
- અમદાવાદની ઘટના બાદ સુરત RTO વિભાગ સક્રિય, સ્કૂલ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું