મહુવાનું ડુંગરી ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત, ગામ લોકોએ રસ્તાના ખાડા પુર્યા - રસ્તાની સમસ્યા
સુરત: જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામે આઝાદી મળ્યા થી આજ દિવસ સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી. જેના કારણે ગ્રામજનોએ ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની સમસ્યા થી કંટાળેલા ગ્રામજનોએ ગુરુવારે 5 કિલોમીટર દૂર થી જાતે જ કપચી લાવી અને ખાડાનું પુરાણ કર્યું હતું.
ગુજરાતની સરકાર વિકાસના નામે મોટા મોટા બણગાં ફૂંકે છે. મહુવા તાલુકાના છેવાડે આવેલું ગામ ડુંગરી જે ગામની વસ્તી 4 હજારથી પણ વધુ છે અને આ ગામની વાત કરીએ તો આંબાવાડી ફળિયામાં આજ દિવસ સુધી તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો નથી. જેના કારણે ગામના રહીશોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો બનાવવા માટે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતને ઘણી રજૂઆતો પણ કરવામાં આવી, પરંતુ આજે પણ રસ્તાની હાલત પહેલા જેવી જ રહેતા સમસ્યાથી કંટાળેલી ગામની મહિલાઓએ ગુરુવારે એકત્ર થઈ 5 કી.મી દૂરથી ટ્રેક્ટરમાં કપચી ભરી લાવી અને રસ્તા પર પડેલા ખાડાઓનું પુરાણ જાતે જ કર્યું હતું.