સુરત અગ્નિકાંડમાં અપમૃત્યુ પામેલા બાળકો માટે કરાશે તર્પણ વિધિ - surat fire tragedy
સુરત: તક્ષશિલા અગ્નિકાંડમાં અપમૃત્યુ પામેલા 22 જેટલા માસુમ વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે કાશી વિશ્વનાથમાં તર્પણ વિધિ કરવામાં આવશે. જેને લઇ સુરતમાં આજરોજ વડાપ્રધાન મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદીના હસ્તે જહાંગીરપુરા મુકામે કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના અપમૃત્યુને પગલે કાર્યાલયમાં ભગવત કથા તેમજ તર્પણ વિધિને લઇ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
સમગ્ર દેશને હચમચાવી દેનાર તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને હજી ભૂલી શકાય તેમ નથી. ઘટનામાં આ અપમૃત્યુ પામેલા 22 માસુમ વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળે તેવા પ્રયાસ સુરતના સામાજિક કાર્યકર શંકરભાઈએ હાથ ધર્યા છે. શંકરભાઈએ સુરતના જહાંગીરપુરા ખાતે તક્ષશિલા આગની ઘટનામાં મૃત્યુ પામેલા 22 વિદ્યાર્થીઓના આત્માને શાંતિ મળી રહે અને કાશી વિશ્વનાથ ખાતે તર્પણ વિધિ કરવાની તૈયારી સાથે કાર્યાલય શરૂ કર્યું છે. જ્યાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે.